aimim chief owaisi: હૈદરાબાદના સાંસદ અને AIMIM ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ બિહારના રાજકારણમાં એક મોટો દાવ રમ્યો છે. બિહારના આમૌર ખાતે એક જનસભામાં તેમણે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી મુખ્યમંત્રી નીતિશ કુમારની નવી સરકારને સમર્થન આપવા માટે તૈયાર છે, પરંતુ તેની સામે એક મહત્વપૂર્ણ શરત મૂકવામાં આવી છે. ઓવૈસીએ સ્પષ્ટ કર્યું છે કે સીમાંચલ વિસ્તારના લોકોને તેમનો હક અને ન્યાય મળવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, તાજેતરની ચૂંટણીમાં તેમની પાર્ટીએ આ વિસ્તારમાં 5 બેઠકો પર વિજય મેળવ્યો છે, જેને તેઓ હવે વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરવા માંગે છે.

Continues below advertisement

સીમાંચલની ઉપેક્ષા હવે નહીં ચાલે: ઓવૈસી

બિહારના આમૌર ખાતે એક જાહેર રેલીને સંબોધતા ઓવૈસીએ સરકાર સમક્ષ પોતાની વાત મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે સીમાંચલનો વિસ્તાર દાયકાઓથી ઉપેક્ષા અને અન્યાયનો ભોગ બની રહ્યો છે. તેમણે નીતિશ કુમારને સમર્થન આપવાની તૈયારી દર્શાવતા કહ્યું કે, "અમે સરકારને ટેકો આપીશું, પરંતુ વિકાસની ગતિ માત્ર રાજધાની પટના અને રાજગીર સુધી સીમિત ન રહેવી જોઈએ." આ પછાત વિસ્તારમાં ભ્રષ્ટાચાર, પૂર અને યુવાનોના સ્થળાંતર (Migration) જેવી ગંભીર સમસ્યાઓ છે, જેનો ઉકેલ આવવો હવે અનિવાર્ય છે અને સીમાંચલ તેનો હકદાર છે.

Continues below advertisement

ધારાસભ્યો પર ઓવૈસીની બાજ નજર

ભૂતકાળના કડવા અનુભવોમાંથી શીખ લઈ ઓવૈસીએ આ વખતે પોતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે કડક નિયમો બનાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના ચૂંટાયેલા ધારાસભ્યોના કામકાજ પર સીધી નજર રાખશે. ઓવૈસીએ કહ્યું, "અમારા પાંચેય ધારાસભ્યોએ અઠવાડિયામાં ફરજિયાત 2 દિવસ પોતાની ઓફિસમાં બેસવું પડશે અને પારદર્શિતા માટે તેમણે તેમનું 'લાઈવ લોકેશન' પણ મારી સાથે શેર કરવું પડશે." આ ઉપરાંત, ઓવૈસીએ પોતે પણ દર 6 મહિને આ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવાનું વચન આપ્યું છે.

ભૂતકાળનું પુનરાવર્તન રોકવા પ્રયાસ

વર્ષ 2020 ની વિધાનસભા ચૂંટણીમાં પણ AIMIM એ સીમાંચલમાં શાનદાર પ્રદર્શન કરતા 5 બેઠકો જીતી હતી, પરંતુ તે સમયે 4 ધારાસભ્યો પક્ષપલટો કરીને તેજસ્વી યાદવની RJD માં જોડાઈ ગયા હતા. આ વખતે ફરીથી સીમાંચલની જનતાએ ઓવૈસી પર વિશ્વાસ મૂક્યો છે. જોકે, એકંદરે બિહારમાં NDA એ 14 બેઠકો જીતીને પ્રભુત્વ જમાવ્યું છે, ત્યારે ઓવૈસીનું સમર્થન વ્યૂહાત્મક માનવામાં આવે છે.

સીમાંચલનું ભૌગોલિક અને રાજકીય મહત્વ

ચૂંટણી પરિણામો સાબિત કરે છે કે સીમાંચલ વિસ્તારમાં AIMIM ની પકડ મજબૂત છે. આ વિસ્તારમાં મુસ્લિમ વસ્તી નોંધપાત્ર પ્રમાણમાં છે અને તે કોસી નદીના પ્રકોપને કારણે અવારનવાર આવતા પૂરથી ગ્રસ્ત રહે છે. અહીંની મોટાભાગની વસ્તી ગ્રામીણ અને પછાત છે. ઓવૈસી હવે આ જ મુદ્દાઓને સરકાર સમક્ષ મૂકીને, નીતિશ કુમારની 10મી ટર્મમાં પોતાના વિસ્તાર માટે પેકેજ અથવા સુવિધાઓ મેળવવાના પ્રયાસમાં છે.