નવી દિલ્હી: એર ઈન્ડિયાના એક પાયલટનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા દિલ્હીથી મોસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને અડધે રસ્તેથી પરત બોલાવવામાં આવી હતી. વંદે ભારત અભિયાન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લેવા માટે વિમાન મોસ્કો જઈ રહ્યું હતું.


દિલ્લી એરપોર્ટ પરથી શનિવારે એર ઈન્ડિયાનું એક વિમાન મોસ્કો જઈ રહ્યું હતું. ફ્લાઈટ રવાના થયા બાદ જાણવા મળ્યું કે એક ફ્લાઈટનો પાઇલટ કોરોના પોઝિટિવ છે. આ જાણ થતાં જ તરત જ એર ટ્રાફિક કંટ્રોલ થકી ફ્લાઈટના ક્રૂ સાથે સંપર્ક કર્યો હતો અને વિમાનને તરત જ પાછું લાવવા માટે કહેવામાં આવ્યું હતું.

એર ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, A-320 વિમાનમાં મુસાફરો નહોતા. વિદેશમાં ભારતીયને લેવા માટે વિમાન મોસ્કો જઈ રહ્યું હતું. અમારી ગ્રાઉન્ડ ટીમને જાણ થઈ હતી કે એક પાયલટ કોરોના સંક્રમિત છે, તે સમયે વિમાન ઉઝબેકિસ્તાનની વાયુ સીમાંમાં પહોંચી ગયું હતું. ફ્લાઈટ શનિવારે 12 વાગ્યેને 30 મિનિટે પરત દિલ્હી પહોંચી ગઈ હતી. બધા ક્રૂ મેમ્બરોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હવે બીજુ વિમાન મોકલવામાં આવશે.