Air India Flight Pee Case:  એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા સહ-યાત્રી પર કથિત રીતે પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાને પટિયાલા હાઉસ કોર્ટે 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. આરોપી શંકર મિશ્રાએ ગયા વર્ષે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં નશાની હાલતમાં એક વૃદ્ધ મહિલા પર કથિત રીતે પેશાબ કર્યો હતો. આ પહેલા દિલ્હી પોલીસને ખબર પડી કે આરોપી શંકર મિશ્રા બેંગલુરુમાં છે, ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી અને આરોપીની ધરપકડ કરી હતી.


આ કેસમાં દિલ્હી પોલીસે આરોપી શંકર મિશ્રાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલ મોકલી દેવામાં આવ્યો હતો. મહિલાએ એર ઈન્ડિયાને આપેલી ફરિયાદના આધારે દિલ્હી પોલીસે 4 જાન્યુઆરીએ મિશ્રા વિરુદ્ધ FIR નોંધી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (એરપોર્ટ) રવિ કુમાર સિંહે કહ્યું, “દિલ્હી પોલીસની એક ટીમે આરોપી શંકર મિશ્રાની બેંગલુરુથી ધરપકડ કરી છે. તેને દિલ્હી લાવવામાં આવ્યો અને આ મામલે તપાસ ચાલી રહી છે. બેંગ્લોર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આરોપી બેંગ્લોરના સંજય નગરમાં તેની બહેનના ઘરે રહેતો હતો અને બેંગ્લોર પોલીસે તેની ધરપકડ કરવામાં દિલ્હી પોલીસની મદદ કરી હતી.






શંકર મિશ્રાએ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો


બીજી તરફ દિલ્હી પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શંકર મિશ્રાએ 3 જાન્યુઆરીએ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને તેનું છેલ્લું લોકેશન બેંગલુરુમાં મળ્યું હતું. તેમણે જણાવ્યું કે શંકર મિશ્રાનું લોકેશન શુક્રવારે મોડી રાત્રે મૈસુરમાં મળ્યું હતું. દિલ્હી પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તે ટેક્સીમાંથી ઉતરી ગયો હતો. ટેક્સી ડ્રાઈવરની પૂછપરછ કરતાં કેટલીક માહિતી મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટના પાઈલટ અને કો-પાઈલટ સહિત એર ઈન્ડિયાના કર્મચારીઓને શનિવારે હાજર થવાનો આદેશ આપ્યો હતો.


કંપનીએ શંકર મિશ્રાને નોકરીમાંથી કાઢી મૂક્યો


તેમણે કહ્યું કે કર્મચારીઓને શુક્રવારે હાજર થવા માટે સમન્સ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. દિલ્હી પોલીસની એફઆઈઆર મુજબ, આરોપીએ મહિલાને તેની વિરુદ્ધ એફઆઈઆર ન નોંધવા વિનંતી કરી હતી અને કહ્યુ હતું કે તે નથી ઈચ્છતો કે તેની પત્ની અને બાળક આ ઘટનાથી પ્રભાવિત થાય. આરોપીને દેશ છોડતો અટકાવવા તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. ભારતમાં અમેરિકન મલ્ટીનેશનલ કંપની વેલ્સ ફાર્ગો સાથે કામ કરી રહેલા શંકર મિશ્રાને શુક્રવારે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.


.