Air India Flight Technical Issue: શિકાગોથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI126 ને અધવચ્ચે જ શિકાગો પરત લઇ જવી હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 6 માર્ચ, 2025ના રોજ ફ્લાઇટમાં ટેકઓફ થયાના થોડા સમય પછી ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો જેના કારણે પાયલટે સલામતીને ધ્યાનમાં રાખીને શિકાગો એરપોર્ટ પર પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ અને બધા મુસાફરો અને ક્રૂ સભ્યોને કોઈપણ સમસ્યા વિના નીચે ઉતારી લેવામાં આવ્યા.

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ તેમના માટે હોટલમાં રોકાણની વ્યવસ્થા કરી છે, જેથી તેમને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે. ઉપરાંત મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે એરલાઇન દ્વારા વૈકલ્પિક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મુસાફરોની સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા છે: એર ઇન્ડિયા

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા તેમની પહેલી પ્રાથમિકતા છે. આ કારણોસર ફ્લાઇટને અધવચ્ચેથી પરત લાવવામાં આવી હતી. જોકે, એરલાઈને સ્પષ્ટતા કરી નથી કે વિમાનમાં કયા પ્રકારની ટેકનિકલ સમસ્યા હતી. એર ઈન્ડિયાની આ ફ્લાઇટ દરરોજ શિકાગોથી દિલ્હી માટે ઉડાણ ભરે છે અને હજારો મુસાફરો બંને શહેરો વચ્ચે મુસાફરી કરે છે.

ચેન્નઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

અગાઉ શનિવાર 8 માર્ચે ઇન્ડિગો એરલાઇન્સની એરબસ A321 ફ્લાઇટ મુંબઈથી ચેન્નઈ પહોંચી હતી, પરંતુ લેન્ડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાઈ ગયો હતો. સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવામાં આવી હતી અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાઓ પછી ઉડ્ડયન સલામતી પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એરલાઇન્સ અને નાગરિક ઉડ્ડયન વિભાગ હવે આ કેસોની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે.

 પ્લેન ક્રેશ થાય તો પાછળ બેઠેલા મુસાફરોના બચવાના ચાન્સ વધુ હોય છે