નવી દિલ્હી: એર ઈન્ડિયાનું ખાસ વિમાન ચીનના વુહાન એરપોર્ટથી શનિવારે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યું હતું. કોરોના વાયરસના ખતરાને જોતા સવારે 7.30 વાગ્યે આ વિમાનમાં 324 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. વુહાન, હુબેઈની પ્રાંતીય રાજધાની છે. અહીં કોરોના વાયરસનું સૌથી વધારે સંક્રમણ જોવા મળી રહ્યું છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 259 લોકોના મોત થયા છે અને 11791 કેસ નોંધાયા છે.


ચીનના વુહાનથી દેશમાં પરત ફરેલા ભારતીયો માટે સેનાએ તૈયારીઓ કરી છે. ભારતીયોને લેવા માટે એર ઈન્ડિયાનું વિમાન વુહાનમાં શુક્રવારે સાંજે 7 વાગ્યે લેન્ડ થયું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (WHO)એ વૈશ્વિક મહામારી જાહેર કરી છે.

દિલ્હીમાં ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના જવાનોએ 600 બેડની હોસ્પિટલ તૈયાર કરી રાખી છે. કોઈ સંજોગોમાં વાયરસ ફેલાય તો તેને પહોંચી વળવાની બધી સુવિધા અહીં છે. ત્યાં 25 ડૉક્ટર પણ ખડે પગે રખાયા છે. સૌ પ્રથમ મુસાફરોની એરપોર્ટ પર તપાસ કરવામાં આવશે બાદમાં તેમને માનેસર સ્થિત કેંદ્રમાં લઈ જવામાં આવશે. જો કોઈને કોરોના વાયરસની અસર જોવા મળશે તો તેને દિલ્હી કૈંટ સ્થિત હોસ્પિટલમાં બનેલા એક અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.