નવી દિલ્હી: સંસદમાં થયેલી એનડીએની બેઠકમાં નાગરિકતા કાયદાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નાગરકિતા કાયદા પર આપણે કંઈ ખોટું કર્યું નથી. આપણે ફ્રન્ટ ફૂટ પર રહેવું જોઈએ. રક્ષાત્મક બનવાની કોઈ જરૂર નથી. આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે મુસ્લિમ પણ અન્ય લોકોની જેમ આ દેશના નાગરિક છે. તેમનો એટલો જ અધિકાર અને કર્તવ્ય છે જેટલો અન્ય નાગરિકોનો છે.


એનડીએની બેઠકમાં સર્વસહમતિથી એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં પીએમ મોદીના નેતૃત્વમાં ફરી વિશ્વાસ વ્યક્ત કરતા કહેવામાં આવ્યું કે એનડીએ પહાડની જેમ પાછળ ઊભા છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે નાગરિકતા કાયદા દ્વારા મહાત્મા ગાંધીના સપનાને સાકાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને રજૂ કર્યો હતો. પ્રસ્તાવમાં બોડો કરાર, ધારા 370, નાગરિકતા કાયદો અને કરતારપુરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ વિપક્ષ CAAને બંધારણ વિરુદ્ધ ગણાવી સરકારને સતત ઘેરી રહી છે. દેશના અનેક ભાગમાં હાલમાં પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે. ખાસ કરીને દિલ્હીના શાહીન બાગ વધુ ચર્ચામાં છે જ્યાં એક મહિના કરતા વધુ સમયથી નાગરિકતા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ છે. શાહીન બાગનું પ્રદર્શન ધીમે ધીમે દિલ્હી ચૂંટણી મુદ્દો પણ બની રહ્યો છે.