Air Indiaનો મોટો નિર્ણય, બે ઓક્ટોબરથી વિમાનોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ
abpasmita.in | 29 Aug 2019 05:32 PM (IST)
પ્રથમ તબક્કામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ એર એક્સપ્રેસની તમામ ફ્લાઇટ અને સહયોગી ફ્લાઇટમાં લગાવવામાં આવશે
નવી દિલ્હીઃ દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુથી એર ઇન્ડિયાએ પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની લોહાનીએ ગુરુવારે કહ્યું કે, અમે બે ઓક્ટોબરથી એરલાઇનમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પુરી રીતે પ્રતિબંધ લગાવવા જઇ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, પ્રથમ તબક્કામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ એર એક્સપ્રેસની તમામ ફ્લાઇટ અને સહયોગી ફ્લાઇટમાં લગાવવામાં આવશે. બીજા તબક્કામાં એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ જનઆંદોલનના નિર્ણય બાદ એર ઇન્ડિયા તરફથી આ દિશામાં પગલા ભરવામાં આવ્યા છે. એર ઇન્ડિયા તરફથી આ અંગે સર્કુલર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બે ઓક્ટોબરથી વિમાનોમાં પ્લાસ્ટિકની ચીજો પર પ્રતિબંધ લગાવામાં આવશે. જે હેઠળ મુસાફરોને વિમાનમાં પ્લાસ્ટિકની ચમચી અને ગ્લાસ નહી મળે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યુ હતું કે જ્યારે દેશ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ મનાવી રહ્યો છે ત્યારે આપણે પ્લાસ્ટિક વિરુદ્ધ જન આંદોલન શરૂ કરવું જોઇએ. પાકિસ્તાન તરફથી એરસ્પેસ બંધ થવાના સવાલ પર લોહાનીએ કહ્યું કે, અગાઉ જ્યારે પાકિસ્તાને પોતાનું હવાઇ ક્ષેત્ર બંધ કર્યું તો એર ઇન્ડિયાને રોજનું ચાર કરોડ રૂપિયાનું નુકસાન થતું હતું. હાલમાં એરસ્પેસ બંધ થયાની સ્થિતિ સામે આવી નથી.