લખીમપુર ખીરી હિંસામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હિંસામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રાની આ ઘટનાના મુખ્ય આરોપી તરીકે ધરપકડ થઈ હતી. જો કે હવે અજય મિશ્રાએ આ મામલે પોતાનું ચોંકાવનારું નિવેદન આપ્યું છે. અજય મિશ્રાએ કહ્યું છે કે, અમે નિર્દોષ હતા એટલે જ 2022ની ચૂંટણીમાં જનતાએ અમને વોટ આપીને જીતાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં લખીમપુર ખીરી જીલ્લાની તમામ 8 વિધાનસભા સીટો પર ભાજપે જીત મેળવી હતી.
અમે નિર્દોષ હતાઃ
લખીમપુર ખીરી મામલે એક નિવેદન જાહેર કરીને મંત્રી અજય મિશ્રાએ જણાવ્યું છે કે, 2022ની ચૂંટણીમાં લખીમપુર ખીરી જિલ્લાના ધારાસભ્યોએ છેલ્લા 5 વર્ષમાં જેવા કામ કર્યા છે તેનું નુકસાન પણ તેમણે ભોગવવાનું હતું. તેમના આરોપો પણ અમારા (અજય મિશ્રા) ઉપર હતા. પરંતુ અમે વિરોધીઓની હવા કાઢી નાખી છે. અજય મિશ્રાએ પોતાના ગામમાં હોળી મિલન સમારોહમાં કહ્યું કે, અમે નિર્દોષ હતા એ અમે જાણતા હતા.
થોડા દિવસો પહેલાં જ અજય મિશ્રા ટેનીએ લખીમપુરમાં એક સરકારી કાર્યક્રમમાં એબીપી ન્યૂઝના પત્રકાર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. પત્રકારે ટેનીને લખીમપુર કાંડ મુદ્દે એસઆઈટીની તપાસમાં તેમના પુત્રનું નામ આવવા અંગે સવાલ પુછ્યો હતો. આ સવાલ સાંભળતાં જ ટેની ગુસ્સે થઈ ગયા હતા અને પત્રકાર સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કર્યું હતું.
લખીમપુર ખીરી હિંસામાં 8 લોકોએ જીવ ગુમાવ્યાઃ
ઉલ્લેખનીય છે કે, તિકોનિયા નિઘાસન વિધાનસભા ક્ષેત્રમાં ગયા વર્ષે 3 ઓક્ટોમ્બરે કૃષિ કાયદા સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા ત્યારે હિંસા થઈ હતી. આ હિંસામાં ચાર ખેડૂતો સહિત 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશીષ મિશ્રાની આ સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી તરીકે ધરપકડ થઈ હતી. આ કેસમાં ઉત્તર પ્રદેશની એસઆઈટી તરફથી 5 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.