PM Modi Emergency Meeting: સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા અંગેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, વિદેશ મંત્રી (EAM) એસ. જયશંકર અને વિદેશ સચિવ (FS) સાથે કટોકટીની બેઠક યોજી અને સમગ્ર પરિસ્થિતિનો તાકીદનો અહેવાલ મેળવ્યો.
આ હુમલાને ગંભીરતાથી લેતા પીએમ મોદીએ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે આતંકવાદનો સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને ઘાયલોને તાત્કાલિક તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે. આ આતંકવાદી હુમલાને કારણે, પીએમ મોદીએ સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકી કરવાનો અને મંગળવારે સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો. પીએમ મોદી સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજનમાં હાજરી આપી ન હતી અને તેમની મુલાકાત ટૂંકાવીને દેશ પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.
પીએમ મોદીએ આતંકવાદી હુમલાની નિંદા કરી અગાઉ, પીએમ મોદીએ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં. તેમણે 'X' પર કહ્યું, "હું જમ્મુ અને કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું કામના કરું છું. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે." તેમણે કહ્યું, "આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે...તેમને છોડવામાં આવશે નહીં. તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ મક્કમ છે અને તે વધુ મજબૂત બનશે."
-