અકાલી દળનો યૂ-ટર્ન, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં BJPને સમર્થનની કરી જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jan 2020 09:46 PM (IST)
આ કોઇ રાજનીતિક ગઠબંધન નથી. આ ભાવનાત્મક ગઠબંધન છે જે પંજાબના લોકો અને શીખ લોકોના હિતમાં છે
નવી દિલ્હીઃ શિરોમણી અકાલી દળે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલે બુધવાર પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આ કોઇ રાજનીતિક ગઠબંધન નથી. આ ભાવનાત્મક ગઠબંધન છે જે પંજાબના લોકો અને શીખ લોકોના હિતમાં છે. અમારી પાર્ટીના 100 વર્ષ થવાના છે. અમને શીખ સંગતનું સમર્થન હાંસલ છે. ભાજપને સમર્થનની જાહેરાત કરતા સુખબીર બાદલે કહ્યું કે, ભાજપનું નેતૃત્વ કરશે તેમ અમારી પંજાબ અને દિલ્હી એકમનું કામ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. તેમણે સમર્થન માટે અકાલી દળનો આભાર માન્યો હતો. આ અગાઉ અકાલી દળે દિલ્હી વિધાનસભા ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો હતો. ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે, હું શિરોમણી અકાલી દળનો આભાર માનું છું જેમણે દિલ્હી ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અકાલી દળની સાથે અમારું ગઠબંધન સૌથી જૂનું છે. અમે સુખબીર બાદલનો આભારી છું. પાર્ટીના નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, અમે ટિકિટ કે બેઠકને લઇને નહી પરંતુ નાગરિકતા સંશોધન કાયદાને લઇને આ નિર્ણય કર્યો છે. ગઠબંધન અગાઉની જેમ જ ચાલશે પરંતુ અમે દિલ્હીમાં ચૂંટણી લડીશું નહી.