નવી દિલ્હી:  આકાશ આનંદે બસપા સુપ્રીમો માયાવતીની માફી માંગી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક પોસ્ટ  કરી છે, જેમાં આકાશ આંનંદ માફી માંગતા જોવા મળી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે માયાવતી તેમને માફ કરે અને પહેલાની જેમ પાર્ટીમાં કામ કરવાની તક આપે. તમને જણાવી દઈએ કે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે માયાવતીએ આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક સહિત તમામ પદો પરથી હટાવી દીધા હતા. માયાવતીએ આકાશ આનંદના સસરાને પણ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.

Continues below advertisement

X પર ભાવુક પોસ્ટ કરી 

આકાશ આનંદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માયાવતીની માફી માંગી છે. તેમની પોસ્ટમાં, તેમણે લખ્યું, "હું BSPના રાષ્ટ્રીય અધ્યક્ષ, યુપીના ચાર વખત મુખ્યમંત્રી અને ઘણી વખત લોકસભા અને રાજ્યસભાના સાંસદ, આદરણીય બહેન શ્રીમતી માયાવતી જીને મારા એકમાત્ર રાજકીય ગુરુ અને મારા હૃદયથી આદર્શ માનું છું. આજે, હું  એ પ્રતિજ્ઞા લઈ રહ્યો છું કે  બહુજન સમાજ પાર્ટીના હિત માટે હું મારા સંબંધો ખાસ કરીને મારા સાસરીયાને ક્યારેય અડચણ બનવા દઈશ નહીં." 

Continues below advertisement

હું સંબંધીઓની સલાહ લઈશ નહીં

આકાશ આનંદે આગળ લખ્યું, "એટલું જ નહીં, હું થોડા દિવસો પહેલા કરેલા મારા ટ્વીટ માટે પણ માફી માંગુ છું, જેના કારણે આદરણીય બહેનજીએ મને પાર્ટીમાંથી હટાવ્યો હતો.  અને હવેથી હું ખાતરી આપુ છું કે હું મારા કોઈપણ રાજકીય નિર્ણય માટે કોઈ સંબંધી અથવા સલાહકારની સલાહ  લઈશ નહીં. અને હું ફક્ત આદરણીય બહેનજી દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશોનું પાલન કરીશ. તેમજ પાર્ટીમાં  હું મારાથી વડીલો અને  પક્ષના વરિષ્ઠ લોકોનું સન્માન કરીશ અને  તેમના અનુભવોથી ઘણું શીખીશ."

પાર્ટીમાં બીજી તક આપો

તેમણે બસપા સુપ્રીમો માયાવતીની માફી માગતા અંતે  એક્સ પર લખ્યું, " આદરણીય બહેન જીને અપીલ કરું છું કે મારી તમામ ભૂલો માફ કરે  અને મને ફરીથી પાર્ટીમાં કામ કરવાની તક આપે, જેના માટે હું હંમેશા તેમનો આભારી રહીશ. આ સાથે જ, હું ભવિષ્યમાં એવી કોઈ ભૂલ નહીં કરું જેનાથી પાર્ટી અને આદરણીય બહેન જીના સ્વાભિમાન અને આત્મસન્માનને ઠેસ પહોંચે."

આ વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો હતો

તમને જણાવી દઈએ કે માયાવતી અને આકાશ આનંદ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ પછી માયાવતીએ આકાશ આનંદને બસપાના રાષ્ટ્રીય સંયોજક સહિત તમામ પદો પરથી હટાવી દીધા હતા. આ પહેલા માયાવતીએ આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થને પાર્ટીમાંથી હટાવ્યા હતા. જેઓ ઘણા રાજ્યોના પ્રભારી હતા. હવે તેના માફીના પત્રમાં આકાશ આનંદે તેના સાસરિયાઓનો પણ ઉલ્લેખ કર્યો છે અને વચન આપ્યું છે કે તેઓ તેમને ક્યારેય અડચણ નહીં બનવા દે. હવે જોવાનું એ રહે છે કે માયાવતી ફરી એકવાર પાર્ટીનું કામ આકાશ આનંદને સોંપશે કે નહીં.