નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવી દીધા છે. બસપા સુપ્રીમો માયાવતીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે જાણકારી આપી હતી. માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને બસપામાં તમામ પદ પરથી હટાવી દિધા છે. હવે આ મામલે આકાશ આનંદે પોતાની પ્રતિક્રિયા આપી છે.  આકાશ આનંદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે કહ્યું કે બહેનજીનો દરેક નિર્ણય તેના માટે પથ્થર સમાન છે અને તે માયાવતીના દરેક નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે.

Continues below advertisement

આકાશ આનંદે સોશિયલ મીડિયા X પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, હું પરમપૂજ્ય આદરણીય બહેન કુ. માયાવતી જીની કેડર છું, અને તેમના નેતૃત્વમાં મેં ત્યાગ,  વફાદારી અને સમર્પણના અવિસ્મરણીય પાઠ શીખ્યા છે, આ બધા મારા માટે માત્ર એક વિચાર નથી, પરંતુ જીવનનો ઉદેશ્ય છે. આદરણીય બહેનજીનો દરેક નિર્ણય મારા માટે પથ્થરની લકીર સમાન છે, હું તેમના દરેક નિર્ણયનું સન્માન કરું છું અને તે નિર્ણય સાથે ઉભો છું.

આદરણીય બહેન કુ. માયાવતી જી દ્વારા મને પાર્ટીના તમામ પદો પરથી મુક્ત કરવાનો નિર્ણય વ્યક્તિગત રીતે મારા માટે ભાવનાત્મક છે, પરંતુ સાથે એક મોટો પડકાર પણ છે, આ પરીક્ષા અઘરી છે અને લડાઈ લાંબી છે.

Continues below advertisement

આવા કપરા સમયમાં ધીરજ અને દૃઢ નિશ્ચય સાચા સાથી છે. બહુજન મિશન અને આંદોલનના સાચા કાર્યકર તરીકે હું પાર્ટી અને મિશન માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરતો રહીશ અને મારા છેલ્લા શ્વાસ સુધી મારા સમાજના હક્કો માટે લડતો રહીશ.

વિરોધ પક્ષના કેટલાક લોકો વિચારી રહ્યા છે કે પાર્ટીના આ નિર્ણયથી મારી રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે, તેઓએ સમજવું જોઈએ કે બહુજન આંદોલન કોઈ કરિયર નથી પરંતુ કરોડો દલિતો, શોષિત, વંચિતો અને ગરીબોના આત્મ-સમ્માન અને સ્વાભિમાનની લડાઈ છે.

આ એક વિચાર છે, એક આંદોલન છે, જેને દબાવી શકાતું નથી.આ મશાલને પ્રજ્વલિત રાખવા અને તેના માટે સર્વસ્વ બલિદાન આપવા લાખો આકાશ આનંદ હંમેશા તૈયાર છે.

માયાવતીએ ઉત્તરાધિકાર અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી હતી 

માયાવતીએ રાજ્યસભા સાંસદ રામજી ગૌતમની જવાબદારી વધારી દીધી અને હવે તેઓ રાષ્ટ્રીય સંયોજક પણ બનશે. તાજેતરમાં જ માયાવતીએ આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થને દૂર કર્યા હતા. બસપાના વડાએ એક બેઠક દરમિયાન પોતાના ઉત્તરાધિકાર અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે મારા છેલ્લા શ્વાસ સુધી કોઈ ઉત્તરાધિકારી નહીં હોય.

માયાવતીએ એમ પણ કહ્યું છે કે હવે તેમના ભાઈ આનંદના બાળકો રાજકારણ સાથે સંકળાયેલા પરિવારમાં લગ્ન નહીં કરે. બસપા દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં માયાવતીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે; "માત્ર આ જ નહીં, પરંતુ મેં પોતે પણ હવે નક્કી કર્યું છે કે જ્યાં સુધી હું જીવિત છું અથવા મારા છેલ્લા શ્વાસ સુધી, પાર્ટીમાં મારો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય." આ નિર્ણયનું પાર્ટીના લોકોએ હૃદયપૂર્વક સ્વાગત કર્યું.