akhilesh yadav: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે લખનૌમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં વર્તમાન રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. પશ્ચિમ બંગાળના TMC ધારાસભ્ય હુમાયુ કબીર દ્વારા બાબરી મસ્જિદને લઈને આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા અખિલેશે કહ્યું કે, ધાર્મિક સ્થળ કોઈ પણ બનાવી શકે છે અને અમે પણ ઇટાવામાં ભવ્ય કેદારેશ્વર મંદિરનું નિર્માણ કરી રહ્યા છીએ. આ ઉપરાંત, તેમણે દુબઈમાં તેજસ ફાઈટર જેટ ક્રેશ, BLO પર કામનું દબાણ અને ભાજપ સરકારની સ્વાસ્થ્ય નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

Continues below advertisement

"ભાજપ દરેક ધર્મની વિરુદ્ધ છે"

TMC ધારાસભ્યના મસ્જિદ બનાવવાના નિવેદન અંગે પૂછવામાં આવતા અખિલેશ યાદવે સ્પષ્ટ કર્યું કે આ એક અલગ વિષય હોઈ શકે છે, પરંતુ ધાર્મિક સ્થળ બનાવવાનો અધિકાર સૌને છે. તેમણે ખુલાસો કર્યો કે, "અમે ઇટાવામાં ભગવાન કેદારેશ્વરનું મંદિર બનાવી રહ્યા છીએ, જેના માટે ખાસ પર્વતોમાંથી શિલાઓ લાવવામાં આવી છે. પરંતુ જ્યારે અમે આ કામ કરી રહ્યા હતા, ત્યારે ઉત્તરાખંડના ભાજપના નેતાઓએ મારો વિરોધ કર્યો હતો." અખિલેશે આક્ષેપ કર્યો કે ભાજપ વાસ્તવમાં દરેક ધર્મની વિરુદ્ધ છે અને માત્ર રાજકારણ રમે છે.

Continues below advertisement

તેજસ ક્રેશ: "બોલીશું તો દેશદ્રોહી કહેવાઈશું"

દુબઈમાં ભારતીય વાયુસેનાના તેજસ ફાઈટર જેટ ક્રેશ થવાની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સપા પ્રમુખે સરકારની ટીકા સહન કરવાની વૃત્તિ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, "જો અમે આ દુર્ઘટના વિશે કઈ પણ બોલીશું, તો અમારા પર 'દેશ વિરોધી' હોવાનો આરોપ લગાવવામાં આવશે. સત્ય એ છે કે આપણે એક બહાદુર પાઈલટ ગુમાવ્યો છે, જે એક ખૂબ મોટી અને દુઃખદ ઘટના છે."

BLO આત્મહત્યા અને સરકારી દબાણ

ચૂંટણી કામગીરીમાં રોકાયેલા BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા આત્મહત્યા કરવાના કિસ્સા પર અખિલેશે વહીવટી તંત્રને આડે હાથ લીધું હતું. તેમણે કહ્યું કે BLO ને યોગ્ય તાલીમ આપવામાં આવતી નથી અને ઉપરથી કામનું અસહ્ય દબાણ વધારવામાં આવી રહ્યું છે. "સરકાર દાવો કરે છે કે 99.48% ફોર્મનું વિતરણ થયું છે, પરંતુ આજે તેની કિંમત શું છે? કોઈ જમીની વિકાસ થયો નથી, માત્ર નવી પદ્ધતિઓ વિકસાવીને આંકડાઓની માયાજાળ રચવામાં આવે છે."

દવાનો પાવર વધ્યો, બીમારી નહીં

મોંઘવારી અને મેડિકલ સેવાની ગુણવત્તા પર કટાક્ષ કરતા અખિલેશે એક રસપ્રદ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું, "પહેલાના સમયમાં 500 mg ની દવાથી તાવ ઉતરી જતો હતો, પરંતુ ભાજપના શાસનમાં હવે 650 mg ની ગોળી લેવી પડે છે, છતાં તબિયત સુધરતી નથી. બજારમાં મળતી કફ સિરપ પણ હવે નબળી ગુણવત્તાની થઈ ગઈ છે." તેમણે ઉમેર્યું કે ભાજપ વર્તમાન સમસ્યાઓ પર વાત કરવાને બદલે કાં તો ભૂતકાળને કોસે છે અથવા 25 વર્ષ પછીના સપના બતાવે છે.

આઝમ ખાન અંગે ચિંતા

જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની સ્થિતિ અંગે અખિલેશ યાદવે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ આઝમ ખાનની હાલત અને તેમની સાથે થઈ રહેલા વ્યવહાર અંગે વ્યક્તિગત રીતે અધિકારીઓનો સંપર્ક કરશે અને વિગતો મેળવશે.