નવી દિલ્લી: સંસદના ચોમાસું સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. શહડોલનાં બીજેપી સાંસદ દલપત સિંહ પરસ્તેનાં મૃત્યુને લઈને આજે લોકસભામાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવશે. આજથી શરૂ થનારા ચોમાસા સત્રમાં બધાની નજર જીએસટી બિલ પર રહેશે. સરકાર વિપક્ષને મનાવવામાં લાગી છે જ્યારે વિપક્ષ જીએસટી બિલ પર સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી રહી છે. ગઈકાલે વડાપ્રધાને સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે સંસદને દેશ અને લોકોનાં હિતમાં ચલાવવી જોઈએ.
આજથી શરૂ થઈ રહેલા સંસદ સત્રનાં પહેલા રવિવારે દિવસભર બેઠકો યોજાતી રહી. દિવસ દરમિયાન સરકારે બધા પક્ષો સાથે બેઠક યોજી તો સાંજનાં સમયે થયેલી લોકસભાનાં સ્પીકરની બેઠકમાં તમામ પાર્ટીનાં નેતા પહોંચ્યા. સરકાર દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં જીએસટી બિલનો મુદ્દો તો ના ચર્ચાયો પરંતુ સરકારને આશા છે કે આ સત્રમાં જીએસટી બિલ પાસ થઈ જશે.