Old Pension Scheme : દેશભરમાંથી 91 લાખથી વધુ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ (OPS)ને ફરી લાગુ કરવા માટે  એક થયા છે. ‘ઓલ ઈન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન’ (AINPSEF)ના નેતૃત્વમાં ‘નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઈન્ડિયા’ હેઠળ આ માંગને લઈ દેશવ્યાપી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.


આજે (17 નવેમ્બર, 2024) દિલ્હીના જંતર મંતર પર આયોજીત રેલી અને બેઠકમાં સમગ્ર ભારતમાંથી કેંદ્ર, રાજ્ય, કેંદ્રશાસિત પ્રદેશો અને સ્વાયત વિભાગોના હજા સરકારી કર્મચારીઓ સામેલ થયા હતા. AINPSEF ના સદસ્ય સંખ્યા પાંચ લાખથી વધારે છે. કર્મચારીઓનું કહેવું છે કે, “અમે માત્ર એટલી માંગ કરીએ છીએ કે જૂની પેન્શન યોજના ફરી લાગૂ કરવામાં આવે અને એનપીએસને ખતમ કરવામાં આવે.” તેમને આરોપ છે કે એનપીએસ કર્મચારીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે.  


સરકારી કર્મચારીઓએ સવાલ ઉઠાવ્યા


કર્મચારીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે, “એક નેતા, જે માત્ર એક જ વાર ધારાસભ્ય કે મંત્રી બને છે, તેને આખી જિંદગી પેન્શન મળે છે. અમે આખી જિંદગી કામ કરીએ છીએ, તેમ છતાં અમને જૂની પેન્શનનો અધિકાર આપવામાં આવી રહ્યો નથી. તેમણે માંગ કરી છે કે જૂની પેન્શન યોજના હેઠળ 10 ટકા પગાર કાપવામાં આવે છે તે પણ તાત્કાલિક બંધ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના પાછી લાવવામાં આવે. તેમનું કહેવું છે કે પેન્શન માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ તેમની વૃદ્ધાવસ્થા અને ભાવિ પેઢીઓ માટે પણ આધાર છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ માંગણી કરી હતી


રેલીમાં આવેલા તમામ 40 અગ્રણી કર્મચારીઓએ સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓને આ મુદ્દો સંસદમાં ઉઠાવવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે ઓપીએસને ફરી લાગૂ કરવાથી માત્ર સરકારી કર્મચારીઓનું ભવિષ્ય જ નહીં પરંતુ સરકારમાં તેમનો વિશ્વાસ પણ વધુ મજબૂત બનશે. જો ટૂંક સમયમાં પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે અને સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.


જૂની પેન્શન યોજનાની માંગ સરકારી કર્મચારીઓ ઘણા સમયથી કરી રહ્યા છે. ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજનાને ફરી લાગૂ કરવા માટે આંદોલન પણ કરવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓની માંગ છે કે એનપીએસ કર્મચારીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે. જૂની પેન્શન સ્કીમ (OPS)ને ફરી લાગુ કરવામાં આવે.