Manipur Violence:મણિપુરમાં  હિંસા ફાટી નીકળતાં અને  સ્થિતિ ફરી એકવાર  કાબૂ બહાર થઈ જતાં  કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. હાલની સ્થિતિને જોતા DG CRPF અનિશ દયાલ મણિપુર જવા રવાના થઈ ગયા છે. તે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં પોતાની તમામ રેલીઓ રદ્દ કરી દીધી છે. તેઓ નાગપુરથી દિલ્હી પરત ફર્યા છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળો અને રાજ્ય પોલીસ નવી રણનીતિ બનાવી રહી છે. મણિપુરના કેટલાક વિસ્તારોમાં જ્યાં કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. ત્યાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ફરી એકવાર મણિપુરના કેટલાક વિસ્તારોમાં સતત તણાવના અહેવાલો સામે આવી રહ્યા છે. બિષ્ણુપુર, ઇમ્ફાલ, જીરીબીમ વિસ્તારોમાં વધુ તણાવ છે. આવી સ્થિતિમાં અહીં પણ ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.


જેના કારણે ફરી હિંસા ફાટી નીકળી છે


નોંધનીય છે કે, મણિપુરમાં તાજેતરની હિંસા એ પછી શરૂ થઈ હતી, જ્યારે જિરીબામમાં ગયા મંગળવારે અપહરણ કરાયેલી એક જ પરિવારની ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોના મૃતદેહ શનિવારે આસામ-મણિપુર બોર્ડર પરથી મળી આવ્યા હતા. આરોપ છે કે કુકીના  આતંકીઓએ  તેમનું અપહરણ કર્યું હતું. આ ક્રૂર હત્યાકાંડ બાદ ગુસ્સે ભરાયેલા મેઇતેઇ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સતત હિંસક વિરોધ કરી રહ્યા છે. શનિવારે (ટોળાએ રાજ્યના ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના ઘરોને ઘેરી લીધા અને તોડફોડ કરી. મંત્રીઓના ઘર પર હુમલા બાદ ગુસ્સે ભરાયેલા મેઇતેઇ ટોળાએ મણિપુરના સીએમના ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.


મેતેઇ  સમાજના લોકોએ અલ્ટીમેટમ આપ્યું


મણિપુરમાં નાગરિક સમાજ જૂથોએ રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ જાહેર કર્યું છે, જેમાં સશસ્ત્ર આતંકવાદી જૂથો સામે નિર્ણાયક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. મણિપુર અખંડિતતા   સંકલન સમિતિના પ્રવક્તા ખુરૈઝામ અથૌબાએ જણાવ્યું હતું કે, "રાજ્યોના તમામ પ્રતિનિધિઓ અને તમામ ધારાસભ્યોએ સાથે બેસીને આ સંકટને વહેલી તકે ઉકેલવા માટે કેટલાક નિર્ણાયક પગલાં લેવા જોઈએ." "જો તેઓ મણિપુરના લોકોના સંતોષ માટે કોઈ નિર્ણય નહીં લે, તો તેમને લોકોના અસંતોષનો ભોગ બનવું પડશે. અમે ભારત સરકાર અને મણિપુર સરકારને કેટલાક નિર્ણાયક પગલાં લેવા માટે 24 કલાકનો સમય આપ્યો છે અને તમામ સશસ્ત્ર જૂથો સામે લશ્કરી કાર્યવાહીનું અલ્ટીમેટમ આપ્યું છે.