Delhi School Close: દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદ (Delhi Heavy Rain)એ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદે છેલ્લા એક દાયકામાં જુલાઈ મહિનામાં પડેલા વરસાદનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શહેરમાં લગભગ દરેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. તાજેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આવતીકાલે એટલે કે 10મી જુલાઈએ દિલ્હીની તમામ શાળાઓને એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 






10 જુલાઈએ શાળાઓ બંધ રહેશે 


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણય છેલ્લા 2 દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદ અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને લીધો છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે , 'દિલ્હીમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા મૂશળધાર વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને આવતીકાલે દિલ્હીની તમામ શાળાઓ એક દિવસ માટે બંધ રાખવામાં આવી રહી છે.'


જુલાઈમાં અત્યાર સુધીમાં 164 મીમી વરસાદ


દિલ્હીમાં જુલાઈમાં અત્યાર સુધીમાં 164 મીમી વરસાદ નોંધાયો છે. શહેરમાં આખા મહિનામાં સરેરાશ 209.7 મીમી વરસાદ પડે છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક ઉદ્યાનો, અંડરપાસ, બજારો અને હોસ્પિટલ પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ ભારે જામ થઈ ગયા હતા. શેરીઓમાં ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થતા લોકોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે શહેરની ડ્રેનેજ સિસ્ટમ પર ઘણા સવાલો ઉભા કરે છે.


દિલ્હી-NCRમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા


ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને  ભારતીય હવામાન વિભાગે તેની આગાહીમાં કહ્યું છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હાલ વરસાદની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તેમણે કહ્યું કે વરસાદને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન પણ સામાન્ય રહેશે. એટલે કે દિલ્હીના લોકોએ વરસાદથી રાહતની આશા ન રાખવી જોઈએ.