Allahabad High Court On Hindu Marriage: અલ્હાબાદ હાઈકોર્ટે મંગળવારે (3 ઓક્ટોબર) હિન્દુ લગ્નને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે સપ્તપદી હિન્દુ લગ્નનું આવશ્યક તત્વ છે. માત્ર રીતરિવાજો અનુસાર સંકલ્પબદ્ધ થયેલા લગ્ન જ કાયદાની દૃષ્ટિએ માન્ય લગ્ન ગણી શકાય. કોર્ટે કહ્યું કે જો આવું ન હોય તો કાયદાની નજરમાં આવા લગ્નને માન્ય લગ્ન ગણવામાં આવશે નહીં.


વારાણસીની સ્મૃતિ સિંહ ઉર્ફે મૌસમી સિંહની અરજી પર જસ્ટિસ સંજય કુમાર સિંહની સિંગલ બેન્ચમાં સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે અરજદાર વિરુદ્ધ દાખલ કરાયેલી ફરિયાદ અને જાહેર કરાયેલા સમન્સ ઓર્ડરને રદ કર્યો છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજદાર વિરુદ્ધ તેના પતિ અને તેના સાસરિયાઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેણીના પર છૂટાછેડા આપ્યા વિના ફરીથી લગ્ન કરવાનો આરોપ મૂક્યો હતો. જેના પર કોર્ટે અરજદારને સમન્સ પાઠવ્યા હતા.


શું છે સમગ્ર ઘટના


આ ફરિયાદ અને સમન્સને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. અરજદારે જણાવ્યું હતું કે તેના લગ્ન 5 જૂન 2017ના રોજ સત્યમ સિંહ સાથે થયા હતા. બંનેના લગ્નજીવન ટકી શક્યા નહી અને ઝઘડાઓના કારણે અરજદારે તેના પતિ અને સાસરિયાઓ સામે દહેજ, મારપીટ વગેરેનો ગુનો દાખલ કર્યો હતો. તેણીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેના સાસરિયાઓએ તેને માર માર્યો હતો અને તેને ઘરની બહાર કાઢી મુકી હતી.


છૂટાછેડા વગર બીજા લગ્ન કરવાનો આરોપ


પોલીસે પતિ અને સાસરિયાઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ સમય દરમિયાન પતિ અને સાસરિયાઓ તરફથી પોલીસ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી કે અરજદારે તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કર્યા છે. આ ફરિયાદની સીઓ સદર મિર્ઝાપુરે તપાસ કરીને તેને ખોટી ગણાવીને રિપોર્ટ દાખલ કર્યો હતો.


આ પછી અરજદારના પતિએ વારાણસીની જિલ્લા અદાલતમાં ફરિયાદ દાખલ કરી. આ ફરિયાદ પર કોર્ટે અરજદારને સમન્સ જાહેર કર્યા હતા. આને પડકારતાં કહ્યું હતું કે અરજદારનો બીજા લગ્ન કરવાનો આરોપ સંપૂર્ણપણે ખોટો છે. અરજદાર દ્વારા દાખલ કરાયેલા કેસનો બદલો લેવાના ઈરાદાથી આ આરોપ લગાવવામાં આવ્યો છે.


કોર્ટે શું કહ્યું?


ફરિયાદમાં લગ્નની વિધિ થઈ હોવાના કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. તેમજ સપ્તપદીનો કોઈ પુરાવો નથી જે લગ્નની આવશ્યક વિધિ છે. પુરાવા તરીકે માત્ર એક જ ફોટોગ્રાફ મૂકવામાં આવ્યો છે જેમાં યુવતીનો ચહેરો સ્પષ્ટ નથી. કોર્ટે કહ્યું હતું કે, અરજદાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં લગ્ન સમારોહ સંપન્ન થયો હોવાના કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. જ્યારે માન્ય લગ્ન માટે તમામ રીત-રિવાજો અને વિધિઓ સાથે લગ્નની વિધિ પૂર્ણ કરવી જરૂરી છે.


કોર્ટે કહ્યું કે જો આવું ન હોય તો કાયદાની નજરમાં તે માન્ય લગ્ન નહીં ગણાય. હિન્દુ લગ્નની માન્યતા સ્થાપિત કરવા માટે સપ્તપદી એ એક આવશ્યક તત્વ છે. હાલના કેસમાં તેના માટે કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. કોર્ટે કહ્યું કે તે સ્પષ્ટ છે કે અરજદારને હેરાન કરવાના હેતુથી જ ન્યાયિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ છે. કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારની પ્રક્રિયાથી નિર્દોષ લોકોને બચાવવાની જવાબદારી કોર્ટની છે. હાઈકોર્ટે 21મી એપ્રિલે અરજદાર વિરુદ્ધ જાહેર કરાયેલો સમન્સ ઓર્ડર અને ફરિયાદ પ્રક્રિયાને રદ કરી દીધી છે.