નવી દિલ્હીઃ તબલીગી જમાતને લઈ ઈડીને મોટી સફળતા મળી છે. ઈડી દ્વારા તબલીગી જમાતના કથિત ટ્રસ્ટને શોધી કાઢવામાં આવ્યું છે. આ ટ્રસ્ટનું નામ કાશિફ ઉલ ઉલુમ છે. ટ્રસ્ટનું બેંક એકાઉન્ટ પણ શોધી કાઢવામાં આવ્યું છે અને હવે ટ્રસ્ટને લઈ મૌલાના સાદ તથા તેના પુત્રની પૂછપરછ કરવામાં આવશે.

ઈડીએ વિદેશમાં રૂપિયા મોકલતા જમાતના વ્યક્તિને પણ શોધી કાઢ્યો છે. અત્યાર સુધીમાં 90 લાખ રૂપિયા વિદેશ મોકલવામાં આવી ચુક્યા છે. તબલીગી જમાતના મામલે ઈડી મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત તપાસ કરી રહી હતી. આ પહેલા ઈડીએ જમાત સાથે સંકળાયેલા ટ્રસ્ટ અંગે ઈન્કમટેક્સ વિભાગ પાસે માહિતી માંગી હતી. જમાતમાં પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે ઈડી જાણવા માંગતી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, જે નામ સામે આવ્યું છે તેનું નામ કાશિફ ઉલ ઉલમ જણાવવામાં આવી રહ્યું છે. આ ટ્રસ્ટના બેંક એકાઉન્ટ નિઝામુદ્દીનમાં બેંક ઓફ ઈન્ડિયામાં છે. ઈડી બેંક ઓફ ઈન્ડિયાને નોટિસ આપીને ટ્રસ્ટના ખાતાની માહિતી માંગશે. ટ્રસ્ટનો તબલીગી જમાત સાથે શું સંબંધ છે તે ઈડી જાણવા ઈચ્છે છે.

ઈડી સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન અનેક લોકોના નામ સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિનું નામ નિઝામી હોવાનું જાણવા મળ્યું છે. નિઝામીનો હોટલ બિઝનેસ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત અબ્બાસ અફગાની નામના વ્યક્તિ પર પણ શંકા છે. જે કથિત રીતે હવાલાનો ધંધો કરતો હોવાનું કહેવાય છે.

ઈડીના અધિકારીએ જણાવ્યું, આ મામલે અત્યાર સુધી જે પૂછપરછ થઈ છે તેમાં ઘણી મહત્વની જામકારી સામે આવશે. ઉપરાંત દિલ્હી પોલીસે જે દસ્તાવેજો મોકલ્યા છે તેનો ઉર્દૂમાંથી હિન્દીમાં અનુવાદ કરાવવામાં આવી રહ્યો છે. જે બાદ અનેક મહત્વના તથ્યો સામે આવી શકે છે.