નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો નહી કરવાના સરકારના પગલાની ટીકા કરતા કહ્યુ કે, આ સમયે કેન્દ્રિય કર્મચારીઓ અને સૈનિકો માટે મુશ્કેલીઓ ઉભી કરવી યોગ્ય નથી.


કોગ્રેસ તરફથી જાહેર કરાયેલા પાર્ટીના સલાહકાર સમૂહની બેઠકના વીડિયો અનુસાર મનમોહન સિંહે કહ્યું કે કોગ્રેસે હાલના સમયે આ સરકારી કર્મચારીઓ અને સૈનિકો સાથે રહેવું જોઇએ. મનમોહન સિંહ તાજેતરમાં જ બનાવવામાં આવેલી કોગ્રેસ સલાહકાર સમૂહના અધ્યક્ષ છે.



આ સમિતિની બેઠક દર બે દિવસે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થાય છે. તેમણે કહ્યું કે, આપણે એ લોકો સાથે રહેવું જોઇએ જેમના મોંઘવારી ભથ્થા કાપવામાં આવી રહ્યા છે. મારું માનવું છે કે હાલના સમયે સરકારી કર્મચારીઓ અને સશસ્ત્ર બળોના લોકો માટે મુશ્કેલીઓ પેદા કરવાની જરૂર નહોતી.

બેઠકમાં કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, એક તરફ તો સેન્ટ્રલ વિસ્ટા યોજના પર પૈસા ખર્ચ થઇ રહ્યા છે અને બીજી તરફ મધ્યમ વર્ગના પૈસા લેવામાં આવી રહ્યા છે. એવું નથી કે આ પૈસા ગરીબોને આપવામાં આવી રહ્યા છે. પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, સરકારે કર્મચારીઓના ભથ્થા ઓછા કરવાના બદલે સેન્ટ્રલ વિસ્ટા યોજના અને અન્ય  બિનજરૂરી ખર્ચાઓ રોકવા જોઇએ.