નવી દિલ્હીઃ ઇન્ડિયા ગેટ પર હવે અમર જવાન જ્યોતિ દેખાશે નહી. તેને નેશનલ વોર મેમોરિયલની જ્યોતિ સાથે વિલય કરી દેવામાં આવી છે. એર માર્શલ બાલભદ્ર રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં આ સમારોહ યોજાયો હતો. પાકિસ્તાન સાથે 1971ના યુદ્ધના 50 વર્ષ પુરા થવાના અવસર પર હવે આ અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં વિલય કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં અત્યાર સુધીના યુદ્ધ અને તમામ સૈન્ય ઓપરેશનમાં શહીદ થયેલા લગભગ 2600 જવાનોના નામ અંકિત કરવામાં આવ્યા છે.


 કેન્દ્ર સરકારના આ નિર્ણય પર કોગ્રેસ અને વિપક્ષી દળોએ સવાલ ઉઠાવ્યા હતા. કોગ્રેસે અમર જવાન જ્યોતિને નેશનલ વોર મેમોરિયલ પર શિફ્ટ કરવાના નિર્ણયને શહીદોનું અપમાન ગણાવ્યું હતું. બીજી તરફ સરકારનું કહેવું છે કે અમર જવાન જ્યોતિને બુઝાવવામાં આવી નથી, ફક્ત તેનું વિલય કરવામાં આવી રહ્યું છે.


 






1971 સહિત ભારતના તમામ યુદ્ધોમાં શહીદ જવાનાના નામને નેશનલ વોર મેમોરિયલમાં સામેલ કરવામાં આવ્યા છે. આ આપણા શહીદ જવાનો પ્રત્યે શ્રદ્ધાંજલિ છે. સરકારે કોગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જે લોકોએ સાત દાયકાઓ સુધી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવ્યું નથી એ હવે આપણા શહીદોને સ્થાયી અને યોગ્ય શ્રદ્ધાંજલિ પર હોબાળો કરી રહ્યા છે.


રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા કહ્યું કે ખૂબ જ દુઃખની વાત છે કે આપણા વીર જવાનો માટે જે અમર જ્યોતિ પ્રગટી હતી, તેને આજે ઓલવી નાંખવામાં આવશે. કેટલાક લોકો દેશપ્રેમ અને બલિદાનને સમજી શકતા નથી. કંઈ વાંધો નહિ અમે આપણા સૈનિકો માટે અમર જવાન જ્યોતિને ફરી એક વખત પ્રગટાવીશું.


અમર જવાન જ્યોતિની સ્થાપના તે ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવી હતી, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો, અને બાંગ્લાદેશનુ ગઠન થયુ હતુ. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 26 જાન્યુઆરી 1972એ આનું ઉદ્ધાટન કર્યુ હતુ.