Amarinder Singh Joins BJP: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસ (PLC)ના વડા કેપ્ટન અમરિંદર સિંહ સોમવારે ભાજપમાં જોડાયા છે. આ સાથે પંજાબ લોક કોંગ્રેસ (PLC)નો ભાજપમાં વિલય થયો.  આ તકે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર અને કિરેન રિજિજુ હાજર હતા. તોમરે કહ્યું કે પીએલસીનું બીજેપી સાથે વિલીનીકરણ પાર્ટીને મજબૂત કરશે.


તેમણે વધુમાં કહ્યું કે કેપ્ટન સાહેબે હંમેશા રાષ્ટ્રને ટોચ પર રાખ્યું છે. ભાજપના લાખો કાર્યકરો વતી તેમનું અને તેમના સમર્થકોનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. અમરિંદર સિંહની સાથે કોંગ્રેસના પૂર્વ નેતા અને પંજાબ વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અજૈબ સિંહ ભાટી પણ ભાજપમાં જોડાઈ ગયા છે.


શું કહ્યું અમરિંદર સિંહે?


ભાજપનું સભ્યપદ લેતા અમરિંદર સિંહે કહ્યું કે હું વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરું છું. બીજેપીમાં જોડાયા બાદ સિંહે કહ્યું હતું કે કોંગ્રેસના સમયની સરકારોએ સેનાને મજબૂત કરી નથી. જ્યારે એન્ટની સંરક્ષણ પ્રધાન હતા, ત્યારે સરકારે તેમની સાથે સંરક્ષણ સોદા કર્યા ન હતા.


તેમણે કહ્યું કે પંજાબ ભારતનું સરહદી રાજ્ય છે અને તેની પાસે તેના પોતાના પડકારો છે. પંજાબ પાકિસ્તાનને અડીને આવેલું રાજ્ય છે અને ત્યાં ખૂબ જ સંવેદનશીલ સ્થિતિ છે અને તાજેતરમાં ડ્રોનનો ખતરો પણ વધી ગયો છે. આ સાથે પંજાબમાં ડ્રગ્સની જાળ વધી ગઈ છે.


અમરિંદર સિંહ પીએમ મોદીને પણ મળ્યા હતા


પીએલસીને પાર્ટી સાથે મર્જ કરીને ભાજપ પંજાબમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. કરોડરજ્જુની સર્જરી બાદ તાજેતરમાં લંડનથી પરત ફર્યા બાદ અમરિન્દર સિંહ (Captain Amarinder Singh)વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah)ને મળ્યા હતા. અમરિન્દર સિંહે 12 સપ્ટેમ્બરના રોજ શાહ સાથેની તેમની મુલાકાત બાદ કહ્યું હતું કે તેઓએ રાષ્ટ્રીય સુરક્ષા, પંજાબમાં માદક દ્રવ્ય-આતંકવાદના વધતા કેસ અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ભાવિ રોડમેપ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ખૂબ જ ફળદાયી ચર્ચા કરી હતી. બે વખતના મુખ્યમંત્રી રહી ચૂકેલા સિંહ અગાઉના પટિયાલા રાજવી પરિવાર(Patiala Royal Family) ના વંશજ છે.