અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ 28 જૂનથી ઓનલાઈન દર્શન કરી શકશે.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શ્રાઈન બોર્ડ સાથે ચર્ચા કર્યાં બાદ આ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે લોકોનું આરોગ્ય એ અમારી અગ્રિમતા છે, જેને ધ્યાનમાં રાખી આ યાત્રા રદ્દ કરવામાં આવી છે. આ પહેલા પહેલા સિન્હાએ શુક્રવારે કહ્યું હતું કે સરકાર જલ્દી વાર્ષિક અમરનાથ યાત્રાના આયોજનને લઈ નિર્ણય કરશે.
સમૃદ્ધની સપાટીથી 3,880 મીટરની ઉંચાઈ પર હિમાલયમાં આવેલા અમરનાથની 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 28 જૂનથી પહલગામ અને બાલટલ રુટથી શરૂ થવાની હતી અને 22 ઓગસ્ટ સુધી ચાલવાની હતી. જોકે કોરોના મહામારીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી શ્રાઈન બોર્ડે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં પણ કોરોના મહામારીને લીધે યાત્રા રદ્દ કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગયા સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોલાવેલી બેઠકમાં મનોજ સિંહાએ ભાગ લીધો હતો. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, અગ્રણી સુરક્ષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.