નવી દિલ્હી:  દેશમાં  વધતા જતા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન હાલ સ્થગિત કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રા શરીન બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તા. 15 થી રજીસ્ટ્રેશન શરુ થયુ હતું અને આજે તે અટકાવી દેવામાં આવ્યું છે.  ફરી તે કયારે શરુ કરાશે તે અંગે પણ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે કાશ્મીરમાં જે રીતે સંક્રમણ વધી રહયુ છે તે જોતા આ રજીસ્ટ્રેશન હાલ અટકાવી દેવાયુ છે.



અમરનાથ તીર્થ યાત્રા જે ગત વર્ષે કોરોના મહામારીના કારણે રદ કરી દેવામાં આવી હતી, તે આ વર્ષે 28 જૂનથી શરૂ થવાની છે. યાત્રા માટે રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી શરૂ થયું હતું. ગત વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે અમુક સાધુઓએ જ યાત્રા કરી હતી, જ્યારે વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાના ત્રણ દિવસ પહેલા જ એટલે કે બે ઓગસ્ટે આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખી યાત્રાને વચ્ચે જ રોકી દેવામાં આવી હતી.


ગત મહિનાની શરૂઆતમાં આયોજિત એક બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું હતુ કે તમામ કોવિડ-19 પ્રોટોકોલ લાગૂ છે અને સરકાર દ્વારા જારી SOPનું પાલન કરવામાં આવશે. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નીતિશ્વર કુમારે જણાવ્યું કે બંને માર્ગો માટે રજિસ્ટ્રેશન દેશમાં 446 બેંક શાખાઓના માધ્યમથી 1 એપ્રિલના રોજથી શરૂ થશે, જેમાં પંજાબ નેશનલ બેંક (316), જમ્મુ-કાશ્મીર બેંક (90) અને યસ બેંક (40)ની શાખા સામેલ છે.


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,78,841 લોકો ઠીક પણ થયા છે.  અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા. ભારતે આજે કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વર્લ્ડ રેકોર્ડ તો બનાવી દીધો છે અને આગામી દિવસોમાં પણ આ રેકોર્ડ તૂટતો રહેશે.


 


સતત આઠમાં દિવસે બે લાખથી વધુ કેસ


 


દેશમાં સતત આઠમા દિવસે કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 22 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.