Amarnath Yatra Suspended: શ્રીનગરઃ અમરનાથ યાત્રાને લઈ મહત્વના સમાચાર મળ્યા છે. જે પ્રમાણે હાલ અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. સંબંધીત અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે ભારે વરસાદ શરુ થયા બાદ હાલ પંચતરણી અને પવિત્ર ગુફા વચ્ચેની અમરનથા યાત્રાને રોકી દેવામાં આવી છે. 


આ અંગે વધુ માહિતી આપતાં અધિકારીએ જણાવ્યું કે, આજે બપોરે પવિત્ર ગુફા મંદિરની આસપાસના પહાડોમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે નજીકના વહેણમાં પણ પાણીનું સ્તર વધ્યું હતું. યાત્રિકોને પંચતરણી છાવણીમાં પરત લઈ જવાયા હતા અને હાલ અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.


આજે ભારે વરસાદથી પૂર આવ્યુંઃ
આજે અમરનાથ ગુફા પાસે ભારે વરસાદને કારણે ફરીથી પૂર આવ્યું છે. ગુફાની આસપાસના પહાડોમાં પડેલા વરસાદને કારણે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ જળાશયો અને નજીકના ઝરણા છલકાઈ ગયા હતા. ત્યાર બાદ તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 4,000 થી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.




અમરનાથ યાત્રા દરમિયાન 50થી વધુ લોકોના મોત થયાઃ


હવામાન વિભાગે (IMD)આ પહેલાં પણ યાત્રના માર્ગ પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સાથે વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી હતી. આ સાથે યાત્રાળુઓ અને ટ્રાવેલ મેનેજરોને ગુફા મંદિરના બે માર્ગો પર અચાનક પૂર, ભૂસ્ખલન વગેરેથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં યાત્રા દરમિયાન 50 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ગુફામાં આવેલા વિનાશક પૂરમાં 15 શ્રદ્ધાળુઓના મોત થયા છે. અમરનાથ યાત્રા 11મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના રક્ષાબંધનના અવસર પર સમાપ્ત થશે.