Amarnath Yatra 2022 Suspended: જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કામચલાઉ ધોરણે રોકવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હવામાનના કારણે યાત્રા રોકવામાં આવી છે. પ્રશાસને કહ્યું કે ખરાબ હવામાનને કારણે બાલતાલ અને પહેલગામમાં યાત્રાને કામચલાઊ ધોરણે રોકી દેવામાં આવી છે. હવામાન સ્વચ્છ થયા બાદ જ જવાની પરવાનગી આપવામાં આપવાનું જણાવાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી 24 થી 36 કલાક સુધી કાશ્મીર ઘાટીમાં વરસાદનું એલર્ટ છે. ઘાટીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે.


તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથ યાત્રા 2022ના પહેલા ચાર દિવસમાં કુલ 40,233 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે 30 જૂને યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 40,233 શ્રદ્ધાળુઓએ ગુફા મંદિરની મુલાકાત લીધી છે.


6,300 થી વધુ યાત્રાળુઓની છઠ્ઠી ટુકડી નીકળી હતી


અગાઉ, કડક સુરક્ષા વચ્ચે, મંગળવારે 6,300 થી વધુ શ્રદ્ધાળુઓની છઠ્ઠી ટુકડી દક્ષિણ કાશ્મીરમાં 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત પવિત્ર અમરનાથ ગુફા માટે રવાના થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કડક સુરક્ષા વચ્ચે ભગવતી નગર યાત્રી નિવાસથી 239 વાહનોમાં કુલ 6,351 યાત્રાળુઓ રવાના થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જેમાં 4,864 પુરૂષો, 1,284 મહિલાઓ, 56 બાળકો, 127 સાધુઓ, 19 સાધ્વીઓ અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.


તેમણે કહ્યું કે બાલટાલ બેઝ કેમ્પ માટે 2,028 તીર્થયાત્રીઓ સવારે 3.35 વાગ્યે 88 વાહનોમાં પ્રથમ રવાના થયા, ત્યારબાદ 151 વાહનોનો બીજો કાફલો 4,323 યાત્રાળુઓને લઈને કાશ્મીરના પહેલગામ કેમ્પ માટે ગયો. બાબા બર્ફાનીના દર્શન માટે 43-દિવસીય વાર્ષિક તીર્થયાત્રા 30 જૂનના રોજ દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં પરંપરાગત 48-km નુનવાન માર્ગ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં 14-km-બાલતાલ માર્ગ દ્વારા શરૂ થઈ હતી.


અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 72,000 થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બરફથી બનેલા શિવલિંગના દર્શન કરી ચુક્યા છે. રક્ષાબંધનના અવસર પર અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે.