Sidhu Moose Wala Murder Video: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શૂટર્સ હત્યાને અંજામ આપ્યા બાદ જશ્ન મનાવતા હાથમાં પિસ્તોલને લહેરાવતા જોવા મળે છે. વીડિયોમાં કાર ચલાવતા દેખાતા વ્યક્તિનું નામ કપિલ પંડિત છે. તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું નામ પ્રિયવ્રત ફૌજી છે. પાછળ ડાબી બાજુ બેઠેલા વ્યક્તિનું નામ સચિન ભિવાની છે અને વચ્ચે બેઠેલાનું નામ અંકિત સિરસા છે. પોલીસના જણાવ્યા અનુસાર અંકિત સિરસાએ સિદ્ધુ મૂસેવાલા પર બંને હાથ વડે ફાયરિંગ કર્યું હતું. અંકિત સિરસા હાલમાં સાડા અઢાર વર્ષનો છે અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેની ધરપકડ કરી છે.


અંકિત સિરસા પર પહેલીવાર કોઈની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. તે જે રીતે ફિલ્મી સ્ટાઈલમાં બંને હાથમાં પિસ્તોલ લહેરાવી રહ્યો છે તે જ રીતે બંને હાથમાં આ પિસ્તોલ લઈને તેણે મૂસેવાલા પર ગોળીઓ ચલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અંકિતે મુસેવાલા પર સૌથી વધુ ગોળીઓ ચલાવી હતી. 


પોલીસે અંકિતની સાથે સચિન ભિવાનીને પણ ઝડપી પાડ્યો છે. જે ફોટોમાં અંકિત સિરસાની ડાબી બાજુએ બેઠો છે. જે સમયે ગાડીમાં મૂસેવાલાની હત્યા કર્યા બાદ તેઓ ફરાર હતા અને અલગ-અલગ સ્થળે ફરી રહ્યા હતા તે સમયે આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાય છે કે, કઈ રીતે તેઓ મૂસેવાલાની હત્યા કર્યા બાદ નિશ્ચિંત થઈને મોજથી ગાડીમાં ફરી રહ્યા છે. 




દિલ્હી પોલીસનો દાવો છે કે, સચિને અંકિત અને અન્ય બદમાશોને હથિયાર અને અન્ય વસ્તુઓ પૂરી પાડી હતી. હત્યા માટે કારમાં ગયેલા તમામ લોકોને સચિને અલગ-અલગ રાજ્યોમાં સંતાડી દીધા હતા. પોલીસનું કહેવું છે કે, ફરાર થયાના 34-35 દિવસમાં સચિન ભિવાનીએ 34-35 વખત આ બદમાશોના ઠેકાણા બદલ્યા હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગઈ કાલે મોડી રાત્રે દિલ્હીના કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ નજીકથી અંકિત સિરસા અને સચિન ભિવાનીને પકડ્યા હતા. તે સમયે પણ બંને પાસેથી પંજાબ પોલીસના ત્રણ યુનિફોર્મ, 2 પિસ્તોલ, 19 કારતૂસ અને 2 મોબાઈલ મળી આવ્યા છે.