કેન્દ્રીય મંત્રીઓ જી કિશન રેડ્ડી અને જિતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવાની સાથે સાથે એક દિવસમાં વધુમાં વધુ ૫૦૦ પ્રવાસીઓ જ દર્શન કરી શકશે. બાબા અમરનાથ ઉપરાંત વૈષ્ણોદેવીના દર્શન પણ યાત્રાળુઓ કરી શકશે. જોકે યાત્રાળુઓની સંખ્યાને લઈને અંતિમ નિર્ણય આવતા સપ્તાહે થશે. આગામી ૨૧મી જુલાઈથી અમરનાથ યાત્રાના પહેલા સંઘને રવાના કરવાની પરવાનગી અપાશે.
અમરનાથ અને વૈષ્ણોદેવી એમ બંને ધાર્મિક સ્થળો જમ્મુ-કાશ્મીરમાં આવેલા છે અને જમ્મુ-કાશ્મીરમાં ૯૦૦૦ કરતા વધુ કોરોનાના કેસ અને ૧૪૫ મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. પહેલગામ રસ્તો બરફવર્ષને કારણે બંધ છે માટે બાલટાલના રસ્તે જ યાત્રાળુઓને જવા દેવાશે. સુરક્ષાદળોએ બાલટાલમાં છેલ્લાં થોડા દિવસથી જ સુરક્ષાની તૈયારી આદરી હતી.
નોંધનીય છે કે, ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી હોવાથી અમરનાથ યાત્રાને અટકાવી દેવી પડી હતી.