નવી દિલ્હીઃ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને અમેઝોનના સીઇઓ જેફ બેઝોસ હાલમાં ભારતના પ્રવાસ પર છે. ભારત આવ્યા બાદ તેમણે દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધી મેમોરિયલ પર જઇને બાપૂને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો પણ પોસ્ટ કર્યો છે. પોતાના ભારત પ્રવાસ દરમિયાન બેઝોસ વડાપ્રધાન મોદીને મળી શકે છે.

બેઝોસ સફેદ કુર્તો અને નારંગી રંગના જેકેટ પહેરી પુરી રીતે ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ટ્વિટ કર્યું હતું કે, થોડા સમય અગાઉ જ ભારત પહોંચ્યો છું , એ વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપી જેણે વાસ્તવમાં દુનિયા બદલી હતી.


બેઝોસમાં ભારતમાં અમેઝોન દ્ધારા નાના અને મધ્યમ બિઝનેસમેન માટે આયોજીત બે દિવસ કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા છે. આ કાર્યક્રમ દિલ્હીમાં બુધવારથી શરૂ થશે. હાલમાં પ્રતિસ્પર્ધા આયોગ દ્ધારા અમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ નિયમોના ભંગ બદલ તપાસ ચાલી રહી છે. આ તપાસ તેમના પ્રાયરિટી ડિસ્કાઉન્ટ્સ યોજનાઓ અંગે છે.

આ વચ્ચે દેશની એક મોટી બિઝનેસ સંસ્થા કન્ફડરેશન ઓફ ઇન્ડિયન ટ્રેડર્સે ઇ-કોમર્સ કંપનીઓના ડિસ્કાઉન્ટ પ્રેક્ટિસ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે અમેઝોનના સીઇઓની કુલ સંપત્તિ 115 અબજ ડોલર છે.