કેન્દ્રિય મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે નવા બનેલા કન્વેન્શન સેન્ટરમાં યોજાય તેવી સંભાવના છે.


વાસ્તવમાં રવિવારે મહારાષ્ટ્રમાં એક મોટી રાજકીય ઉથલપાથલ થઇ હતી. એનસીપી નેતા અજીત પવાર તેમની પાર્ટીના ઘણા ધારાસભ્યો સાથે ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા હતા. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાક્રમ બાદ કેન્દ્રીય કેબિનેટમાં પણ ફેરફાર થઈ શકે છે અને આજે યોજાનારી બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકે છે.


પ્રફુલ પટેલ અને ફડણવીસને બનાવાઇ શકે છે મંત્રી


પીટીઆઇના જણાવ્યા અનુસાર, NCPના વરિષ્ઠ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામા આવી શકે છે. નોંધનીય છે કે પ્રફુલ પટેલે શરદ પવારને છોડીને અજિત પવાર સાથે હાથ મિલાવ્યા હતા.


મહારાષ્ટ્રમાં નાયબમંત્રી તરીકે અજીત પવારના શપથ ગ્રહણ સાથે એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે રાજ્યમાં ભાજપના અગ્રણી નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ કેન્દ્ર સરકારમાં જવાબદારી મળી શકે છે પરંતુ ફડણવીસના નજીકના સૂત્રો કહે છે કે તેઓ માત્ર રાજ્યની રાજનીતિમાં સક્રીય રહેશે.


ગુજરાતમાંથી બનેલા મંત્રીઓ માટે મુશ્કેલી


મોદી સરકારના અત્યાર સુધીના વિસ્તરણ પર નજર નાખીએ તો જે રાજ્યમાં ચૂંટણી યોજાવાની હોય ત્યાંના નેતાઓને પ્રમોશન આપવામાં આવે છે. અને જે રાજ્યમાં ચૂંટણી યોજાઇ ચૂકી હોય ત્યાંના મંત્રીઓને પડતા મુકવામાં આવે છે. છેલ્લા કેબિનેટ વિસ્તરણમાં ગુજરાત અને યુપી બે રાજ્યોમાં ચૂંટણીના કારણે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.


આવા સંભવિત ફેરફારમાં ગુજરાત ક્વોટાના કેટલાક મંત્રીઓને હટાવવામાં આવે તેવું માનવામાં આવે છે. હાલમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ  રૂપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરા મંત્રી છે.


ગોયલ, પ્રધાનને સંગઠનમાં મોકલવાની ચર્ચા


પીયૂષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાનને પણ કેબિનેટમાંથી હટાવવામાં આવે તેવી શક્યતાઓ છે. ગોયલને રાજસ્થાન ભાજપની કમાન સોંપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, તેઓ છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત રાજસ્થાનની મુલાકાતે ગયા છે.


બીજી તરફ ધર્મેન્દ્ર પ્રધાનને કેબિનેટમાંથી હટાવવામાં આવી શકે છે. તેમને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી બનાવવામાં આવી શકે છે. યુપીનો હવાલો હાલમાં રાધા મોહન સિંહ પાસે છે.2019ની ચૂંટણી પહેલા જેપી નડ્ડાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તે સમયે નડ્ડાને કેબિનેટમાંથી હટાવીને યુપીની કમાન સોંપવામાં આવી હતી. 2019ની ચૂંટણી બાદ તેમને સંગઠનમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા પીએમ મોદીના નિવાસસ્થાને પણ આ સંદર્ભે એક મોટી બેઠક યોજાઈ હતી. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનુરાગ ઠાકુર અને ધર્મેન્દ્ર પ્રધાનને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.


બિહાર ભાજપમાં પરિવર્તનની ચર્ચાઓ વધી રહી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે પણ મોદી તેમના મંત્રીમંડળના વિસ્તરણનો નિર્ણય લેશે ત્યારે સાથી પક્ષોને કેબિનેટમાં પ્રતિનિધિત્વ આપવામાં આવશે. 20 જૂલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસું સત્ર પહેલા આ પ્રકારની છેલ્લી કવાયત હોઈ શકે છે, જે ફેરબદલની અટકળોને વેગ આપે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના સંગઠનમાં કેટલાક ફેરફારો થઈ શકે છે .


બિહાર, યુપીના મંત્રીઓને પણ હટાવાય તેવી શક્યતા


મોદી કેબિનેટમાં વિસ્તરણમાં બિહાર અને યુપીના મંત્રીઓને પણ પડતા મુકવામાં આવી શકે છે. કેન્દ્રીય કેબિનેટમાં બિહાર અને યુપીના 20 મંત્રીઓ છે. બિહારમાંથી અશ્વિની ચૌબે, પશુપતિ પારસ અને આરકે સિંહને હટાવાય તેવી પુરતી શક્યતાઓ છે.


ઉત્તર પ્રદેશના મહેન્દ્ર નાથ પાંડે, અજય મિશ્રા ટેનીનું મંત્રી પદ પણ જોખમમાં છે. જો પાંડે અને ટેનીને હટાવવામાં આવે તો બ્રાહ્મણોને ખુશ કરવા માટે લક્ષ્મીકાંત વાજપેયી કે હરીશ દ્વિવેદીને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. વાજપેયી અને દ્વિવેદી બંને હાલમાં ભાજપમાં કામ કરી રહ્યા છે. શક્યતા છે કે બિહારના ચિરાગ પાસવાનને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જ્યારે ભાજપના સંજય જયસ્વાલ, અજય નિષાદ અને રામ કૃપાલ યાદવમાંથી એકને મંત્રી બનાવવામાં આવી શકે છે.


મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ પર વધુ ધ્યાન કેન્દ્રિય કરાશે


ભાજપ આ વર્ષે અનેક રાજ્યોની ચૂંટણીઓ માટે જોરદાર તૈયારીઓ કરી રહ્યું છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગણા અને મિઝોરમમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે અને પ્રથમ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ ભાજપ સામે મુખ્ય પડકાર રહેશે.


એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાંથી ભાજપ પાસે 62 સાંસદો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આગામી વિસ્તરણમાં મધ્યપ્રદેશને 3, છત્તીસગઢને 2 અને રાજસ્થાનને 2 વધુ મંત્રી પદ મળી શકે છે. નામોની વાત કરીએ તો મધ્યપ્રદેશના સુમેર સોલંકી, રાકેશ સિંહ અને રીતિ પાઠક રેસમાં સૌથી આગળ છે.