ચીનમાં વધી રહેલા કોરોના કેસને લઈને ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાના કેસ પાછળ જવાબદાર ઓમિક્રોનના નવા વેરિઅન્ટ BF.7ના પાંચ કેસ ભારતમા નોંધાતા સરકાર ચિંતિત બની છે. તેમાંથી ગુજરાતમાં 3 અને ઓડિશામાં 2 કેસ નોંધાયા છે. ફરી એકવાર કોરોનાને લઈને વધતી તકેદારી વચ્ચે, હવે ચર્ચા એ પણ શરૂ થઈ ગઈ છે કે શું ભારતના લોકોને કોરોના રસીના ચોથા ડોઝની જરૂર છે?


આ તમામ પ્રશ્નો વચ્ચે બુધવારે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભારતમાં રસીકરણને સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં દેશની માત્ર 27 ટકા વસ્તીએ જ કોરોના રસીનો પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ) લીધો છે. બેઠકમાં આ બાબતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. મીટીંગમાં હાજર રહેલા નીતિ આયોગની આરોગ્ય સમિતિના સભ્ય ડો. વી.કે. પોલે વરિષ્ઠ નાગરિકોને કોરોના રસીનો પ્રિકોશનનો ડોઝ વહેલી તકે લઇ લેવાની અપીલ કરી હતી.


શું કોરોના રસીનો ચોથો ડોઝ લેવાની જરૂર છે કે નહીં? આ પ્રશ્ન પર વચ્ચે AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા સાથે વાત કરી હતી. તેમણે રસીનો ત્રીજો ડોઝ લેવાનો આગ્રહ કર્યો હતો. ડો. ગુલેરિયાએ કહ્યું કે અત્યાર સુધી એવો કોઈ ડેટા આવ્યો નથી, જે ચોથા ડોઝની જરૂરિયાત પર ભાર મૂકે. એટલે કે અત્યારે ચોથો ડોઝ લેવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી ખાસ પ્રકારની બાયવેલેન્ટ રસી આવી ના જાય ત્યાં સુધી તેની જરૂર નથી.


બાયવેલેન્ટ રસી શું છે?


ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા બાયવેલેન્ટ રસીની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમના મતે, બાયવેલેન્ટ રસી એ એક રસી છે જે મૂળ વાયરસના સ્ટ્રેનના કંમ્પોનન્ટ અને ઓમિક્રોનના વેરિઅન્ટના એક કંમ્પોનન્ટને જોડીને બનાવવામાં આવે છે. આ રોગ સામે વધુ સારી અને વધુ સુરક્ષા આપે છે. આ બે ઘટકોના ઉપયોગને કારણે જ તેને બાયવેલેન્ટ રસી કહેવામાં આવે છે.


બાયવેલેન્ટ રસી કોવિડ-19ના બૂસ્ટર ડોઝના અપડેટેડ વર્ઝન તરીકે પણ જોવામાં આવે છે. મૂળ કોરોના રસી SARS-CoV-2 વાયરસને લક્ષ્ય બનાવે છે જે સૌપ્રથમ 2019 માં દેખાયા હતા, પરંતુ બાયવેલેન્ટ રસી કોરોનાના બે વેરિઅન્ટ (મૂળ અને ઓમિક્રોન બંને) ને લક્ષ્ય બનાવે છે. હાલમાં ભારતમાં ઉપયોગમાં લેવાતી કોઈપણ રસી બાયવેલેન્ટ નથી. ભારતની બહાર ફાઈઝર અને બાયોએન્ટેકની બાયવેલેન્ટ રસી અને મોડર્નાની mRNA રસીનો ઉપયોગ બુસ્ટિગના હેતુથી કરવામાં આવી રહ્યો છે.