નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામા બે બિલ રજૂ કર્યા હતા.તેમણે કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો છ મહિના વધારવા અને અનામત સંશોધન બિલ રજૂ કર્યા હતા. શાહે કહ્યું કે, સરકાર જમ્મુ કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. જમ્મુ કાશ્મીર અને લદાખના વિકાસ માટે પ્રયાસ કરવામાં આવશે. ઘણા સભ્યોએ અટલજીને યાદ કર્યા હતા. અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રપતિ શાસનમાં કાશ્મીરમાં ખૂબ કામ થયું છે. અધિકારીઓ ગામ ગામ જઇને સરકારની યોજનાઓનો લાભ લોકોને આપી રહ્યા છે. જ્યાં સુધી વિકાસ નથી પહોંચ્યો ત્યાં છ વર્ષમાં અમારી યોજનાઓ પહોંચી છે. શાહે કહ્યું કે, શૌચાલયથી લઇને વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન સુધીના લાભ લોકોને મળ્યા છે. જે ભારતને તોડવાની વાત કરશે તેને તેની જ ભાષામાં જવાબ મળશે. ઘાટીની પ્રજાને કહેવા માંગું છું કે કોઇને ડરવાની જરૂર નથી, ગુમરાહ ના થાવ, તમે ભારત સાથે જોડાઓ ભારત સરકાર તમારા જાનમાલની રક્ષા કરશે.


અમિત શાહે કહ્યું કે, કાશ્મીરિયતની વાત કરનારા સૂફી સંતો પર થયેલા હુમલા પર કેમ ચૂપ રહ્યા. કાશ્મીરી પંડિતોનાને ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમના મંદિરોને તોડવામાં આવ્યા. જ્યારે કાશ્મીરિયતની વાત કરો છો તો કાશ્મીરના પંડિતોની પણ ચિંતા કરવી જોઇએ. કાશ્મીરી સંસ્તૃતિની ચિંતા કરવી જોઇએ. અમિત શાહે કહ્યું કે, કાશ્મીરની પ્રજાની સંસ્કૃતિનું સંરક્ષણ અમે પણ કરીશું. હું નિરાશાવાદી નથી. એક સમય આવશે કે ભવાની મંદિરમાં કાશ્મીરની પંડિતો ત્યાં પૂજા કરતા જોવા મળશે અને સૂફી ભાઇઓ પણ ત્યાં જોવા મળશે.

રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. આ વાત પર સંસદના તમામ સભ્યો એકમત છે. સરકાર જમ્મુ કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. કોઇ પણ કાશ્મીરને દેશથી અલગ ના કરી શકે. આતંકવાદ પર મોદી સરકાર ઝીરો ટોલરેન્સની નીતિ પર કામ કરી રહી છે. વિશિષ્ટ પરિસ્થિતિના કારણે ધારાસભ્યો ઘર પર બેઠા છે તે સત્ય છે પણ પંચાયત ચૂંટણી ન  હોવાના કારણે 40 હજાર લોકો ઘર પર બેઠા છે. પંચ-સરપંચને શું વિકાસ કરવાનો હક નથી. આજ સુધી એ વાતને લઇને ચિંતા થઇ નહી પરંતુ મોદી સરકારે  પંચાયત ચૂંટણી કરાવી.