Home Minister Amit Shah in Acton Mode : દિલ્હીના કાંઝાવાલામાં એક યુવતીનું જે રીતે મોત નિપજ્યું તેને લઈને આખો દેશ હચમચી ગયો છે. જે રીતે એક વાહન યુવતીને રસ્તા પર 10 થી 12 કિલોમીટર સુધી ઢસડી ગયું તે ઘટનાની જાણ થતા જ સૌકોઈ ચોંકી ઉઠ્યાં છે કે આખરે આ હદે કોઈ કેવી રીતે ક્રુર બની શકે. હવે આ મામલે ગૃહમંત્રી અમિત શાહે એક્શન મોડમાં આવ્યા છે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કેસનો વિગતવાર રિપોર્ટ તાત્કાલિક તેમને સોંપવાને લઈને દિલ્હી પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે. સાથે જ આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ એલજીની ઓફિસની બહાર આ મામલે વિરોધ પ્રદર્શનો કર્યા હતાં. 


ઉલ્લેખનીય છે કે, રવિવારે વહેલી સવારે દિલ્હીના કાંઝાવાલામાં એક યુવતીની નગ્ન લાશ મળી આવી હતી. શરીરના શરીરના લગભગ તમામ અંગો ક્ષત વિક્ષત થઈ ગયા હતા. પોલીસનો દાવો છે કે, કારમાં સવાર 5 યુવકોએ યુવતીને ટક્કર મારી હતી અને ત્યાર બાદ તેને 10થી 12 કિમી સુધી રસ્તા પર ઢસડવામાં આવી હતી. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. જ્યારે દિલ્હી પોલીસને મૃતદેહ મળ્યા બાદ તપાસ કરી તો પોલીસને ઘટનાસ્થળથી થોડે દૂર એક સ્કૂટી પણ પડેલી મળી હતી જે અકસ્માતનો ભોગ બની હતી. સ્કૂટીના નંબરના આધારે યુવતીની ઓળખ ટ્રેસ કરવામાં આવી હતી.


હવે પોલીસે આ મામલામાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, પરંતુ હજુ પણ અનેક મુદ્દે તપાસ ચાલી રહી છે. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે સક્રિય થયા છે. તેમણે પોલીસ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. મહત્વની વાત એ છે કે, શાહે પણ આક્રમક રીત કહ્યું છે કે, પોલીસે તેમને તાત્કાલિક આ મામલાની સંપૂર્ણ માહિતી આપવી.


તેવી જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારી શાલિની સિંહને ટૂંક સમયમાં રિપોર્ટ તૈયાર કરવા અને કાંઝાવાલામાં એક યુવતીના મૃત્યુ અંગે યોગ્ય પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.


દેશની રાજધાનીમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એક એવી ભયાનક ઘટના સામે આવી છે જેને લોકોના કાળજા કંપાવી નાખ્યા છે. એટલું જ નહીં, આ સમગ્ર ઘટના પર વિવિધ સવાલો પણ ઉઠી રહ્યા છે. એક તરફ આ મામલે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ પણ નબળી પોલીસ વ્યવસ્થાના વિરોધમાં રાજભવનને ઘેરો ઘાલવાની જાહેરાત કરી છે.