Delhi Girl Dragged Case: દિલ્હીની બહાર સુલતાનપુરીમાં 23 વર્ષની અંજલિના હૃદયદ્રાવક મોતનો મામલો ગરમાયો છે. આ સમગ્ર મામલામાં દિલ્હી પોલીસે એક નિવેદન જાહેર કર્યું છે. દિલ્હીના સ્પેશિયલ સીપી સાગરપ્રીત હુડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે જણાવ્યું છે કે, દિલ્હી પોલીસે જણાવ્યું કે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રોડ પર વળાંક આવવાના કારણે યુવતીનો મૃતદેહ કારમાંથી અલગ થઈ ગયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, આરોપીઓ નશામાં હતા કે કેમ તે તપાસવા માટે મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.


હુડ્ડાએ આ મામલે સનસની ખુલાસો કરતા કહ્યું હતું કે, યુવતીને કાર સાથે 10 થી 12 કિમી સુધી ખેંચી લેવામાં આવી હતી. આ અગાઉ એવી માહિતી સામે આવી હતી કે યુવતીને કાર સાથે લગભગ 8 કિલોમીટર જેટલી ઢસડી હતી. પરંતુ હુડ્ડાએ આ અંતર વધારે હોવાનું જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક અને લીગલ ટીમના રિપોર્ટના આધારે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પીડિતા પરિવારના સંપર્કમાં છે. તેમને તપાસ અંગે માહિતી આપવામાં આવી રહી છે. આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા છે. તેની પૂછપરછ કરવામાં આવશે. ટૂંક સમયમાં તપાસ પૂર્ણ કરશે, ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે. નક્કર પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આરોપીઓને કડક સજા અપાશે. આરોપીઓ વિરુદ્ધ કલમ 279, 304, 304A,120b હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


આખરે યુવતીનો મૃતદેહ કારથી કઈ રીતે છુટો પડ્યો? 


દિલ્હીના સ્પેશિયલ સીપી સાગરપ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે યુવતીની લાશ મળી આવી હતી - તે દુઃખદ છે. ગઈ કાલે સવારે કાંઝાવાલા પોલીસ વિસ્તારમાં એક છોકરીની લાશ મળી એ દુઃખદ છે. આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં દીપક ખન્ના કાર ચલાવી રહ્યો હતો. તે ગ્રામીણ સેવામાં કામ કરે છે. આ ઉપરાંત કારમાં અમિત ખન્ના, ક્રિષ્ના, મનોજ અને મિથુન કારમાં બેઠા હતા. CTCT ફૂટેજ અને ડિજિટલ પુરાવાની ટાઈમલાન તૈયાર કરવામાં આવશે. તેના આધારે આરોપીઓ ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જતા હતા તે જાણી શકાશે. યુવતીને ઢસડીને લઈ જવા અંગે પોલીસે જણાવ્યું હતું કે, યુવતીની લાશ કારમાં ફસાઈ ગઈ હતી. યુવતીનો 10 થી 12 કિમી સુધી ઢસડાયો હતો. યુવતીનો મૃતદેહ રસ્તા પર ક્યાંક વળાંક લેતી સમયે કારથી છુટો પડીને રસ્તા પર પડી ગયો હતો. આવતીકાલે પીએમનો રિપોર્ટ આવશે તેને પણ જાહેર કરવામાં આવશે.


તેમણે જણાવ્યું કે, સ્કૂટી સુલતાનપુરી વિસ્તારમાંથી મળી આવી હતી. તમામ પાસાઓ પર તપાસ કરશે. અનેક ટીમો બનાવવામાં આવી છે. મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે. આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે. સોમવારે ફોરેન્સિક વિભાગની ટીમ સુલતાનપુરીમાં જ્યાં કાર અને સ્કૂટી વચ્ચે ટક્કર થઈ હતી ત્યાં પહોંચી અને પુરાવા એકત્ર કર્યા હતાં. ક્રાઈમ સીન માટે પોલીસ આરોપીને કાંઝાવાલા વિસ્તારમાં લઈ જશે. અહીં પોલીસ તૈયારીઓમાં વ્યસ્ત છે.


જાણો શું છે આખો મામલો?


દિલ્હીના કાંઝાવાલામાં રવિવારે વહેલી સવારે એક યુવતીનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. શરીરના ઘણા ભાગો વિકૃત થઈ ગયા હતા. પોલીસનો દાવો છે કે કારમાં સવાર 5 યુવકોએ યુવતીને ટક્કર મારી અને ત્યાર બાદ તેને 10થી 12 કિમી સુધી રસ્તા પર ઢસડવામાં આવી હતી જેના કારણે તેનું મોત થયું. જ્યારે દિલ્હી પોલીસે મૃતદેહ મળ્યા બાદ તપાસ કરી તો પોલીસને ઘટનાસ્થળથી થોડે દૂર એક સ્કૂટી પણ પડી હતી જે અકસ્માતગ્રસ્ત હતી. સ્કૂટીના નંબરના આધારે યુવતીની ઓળખ ટ્રેસ કરવામાં આવી હતી.