નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં નાગરિકતા કાયદાને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે. આ કાયદા પર તમામ પ્રકારની રાજકીય ચર્ચાઓ થઈ રહી છે. હવે સત્તારૂઢ પાર્ટી ભાજપે સીએએ કાયદાના સમર્થનમાં એક અભિયાન શરૂ કર્યું છે. જેને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સભા કરી રહ્યા છે. આજે દિલ્હીના લાજપત નગરમાં અમિત શાહ લોકોને મળ્યા હતા. આ જન જાગરણ અભિયાન અંર્તગત અમિત શાહ ઘણા લોકોના ઘરે ગયા અને તેમણે નાગરિકતા સંશોધન કાયદા વિશે લોકો સાથે સવાદ કર્યો હતો.


બીજી તરફ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ આજે લોકોને મળ્યા અને તેમણે લોકોને સીએએ કાયદા વિશે જણાવ્યું અને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. તેમણે જનસંપર્ક અભિયાન ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં ચલાવ્યું હતું.

આ પહેલા અમિત શાહે દિલ્હીમાં એક જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે સીએએને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો અને દંગા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે કહ્યું હું દિલ્હીના લોકોને પુછવા માંગુ છુ. શું તમે એવી સરકાર ઈચ્છો છો જે દિલ્હીમાં દંગા કરાવે ?