નવી દિલ્હીઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહે સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત ક્રિકેટર એમ એસ ધોની સાથે રવિવારે સાંજે મુલાકાત કરી હતી. આ સમયે તેમની સાથે કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલ અને મનોજ તિવારી પણ હતા.કેન્દ્રની મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર બીજેપીએ 29 મેથી આ અભિયાન શરૂ કર્યું છે.


અમિત શાહ સંપર્ક ફોર સમર્થન દ્વારા દેશની જાણીતી હસ્તીઓને ખુદ મળીને સંપર્ક કરવાની કોશિશ કરે છે. આ પહેલા અમિત શાહે 22 જુલાઈના રોજ લતા મંગેશકર સાથે તેના ઘરે મુલાકાત કરી હતી.  શાહ અભિયાન અંતર્ગત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા.

આ ઉપરાંત શાહે ઉદ્યોગપતિ રતન ટાટા, એક્ટ્રેસ માધુરી દીક્ષિત, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, બેડમિંટન ખેલાડી સાયના નેહવાલ, લોકસભાના પૂર્વ સેક્રેટરી  સુભાષ કશ્યપ, દેશના પૂર્વ ચીફ જસ્ટિસ આરસી લાહોટી સાથે મુલાકાત કરી ચુક્યા છે.

બીજેપીના લગભગ 4000 નેતા અને કાર્યકર્તાઓ આ અભિયાન અંતર્ગત આશરે 1 લાખ લોકોની મુલાકાત કરી સમર્થનની અપીલ કરવાના છે.