સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા. જેના કારણે તેઓ 1 જૂન સુધી તિહારમાંથી બહાર આવી ગયા છે અને જાહેર સભાઓ અને રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા આપી હતી.
ગૃહ પ્રધાન અમિત શાહે આજે ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ માનતા નથી કે અરવિંદ કેજરીવાલનું અચાનક જેલમાંથી બહાર આવવું એક રૂટીન જજમેન્ટ નથી. તેમણે વધુમાં કહ્યું કે દેશમાં મોટી સંખ્યામાં લોકોનું માનવું છે કે તેમને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.
બાદમાં જ્યારે અમિત શાહને અરવિંદ કેજરીવાલ દ્ધારા ઇન્ડિયા ગઠબંધનના ચૂંટણી પ્રચાર અંગે સવાલ કરવામાં આવતા તેમણે કહ્યુ કે હાલમાં કેજરીવાલ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં ફસાયા છે. તેમને મુક્ત થવા દો અને પછી જોઇએ છીએ કે શું થાય છે.
કેજરીવાલ કોર્ટની અવમાનના કરી રહ્યા છે
આ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ અરવિંદ કેજરીવાલના એ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી જેમાં કેજરીવાલે કહ્યું હતું કે જો લોકો ઝાડુને વોટ આપશે તો તેમને 4 મે પછી જેલમાં જવું પડશે નહીં. અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર અમિત શાહે કહ્યું કે તેઓ ખુલ્લેઆમ કોર્ટની અવમાનના કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જો ચૂંટણીમાં વિજય મળે છે તો તેમને સુપ્રીમ કોર્ટ દોષિત હોવા પર જેલમાં મોકલી શકે નહી. આ પછી અમિત શાહે કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશોએ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે તેઓએ વિચારવું પડશે કે શું તેમના ચુકાદાનો દુરુપયોગ થઈ રહ્યો છે કે પછી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાદમાં જ્યારે ઇન્ટરવ્યૂમાં અમિત શાહને પૂછવામાં આવ્યું કે તમે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર શું કહેશો જેના પર અમિત શાહે કહ્યું કે ન્યાયની વ્યાખ્યા કરવાનો સુપ્રીમ કોર્ટને અધિકાર છે પરંતુ મારું માનવું છે કે આ નોર્મલ પ્રકારનો જજમેન્ટ નથી. દેશના મોટાભાગના લોકોનું માનવું છે કે સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.