નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા વધતી જાય છે ત્યારે શાળા-કોલેજો, શોપિંગ મૉલ અને ધાર્મિક કાર્યક્રમો 15 મે સુધી બંધ રાકવાનો નરેન્દ્ર મોદી સરકાર નિર્ણય લઈ શકે છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે.


કેન્દ્ર સરકાર દ્વારા  કોવિડ 19ને લગતી બાબતો પર નજર રાખવા રચાયેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) દ્વારા  શાળા-કોલેજ, શોપિંગ મૉલ અને ધાર્મિક કાર્યક્રમો પર 15 મે સુધી પ્રતિબંધ મૂકવાની ભલામણ કરાઈ છે. મોદી સરકારે આ ભલામણ સ્વીકારી હોવાનું સૂત્રો જણાવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ 14 એપ્રિલ પછી લૉકડાઉન લંબાવવામાં ન આવે તો પણ શાળા-કોલેજ, શોપિંગ મૉલ અને ધાર્મિક ગતિવિધિઓ બંધ રાખવી જોઈએ એવી ભલામણ કરાઈ છે. આ ઉપરાંત ધાર્મિક કેન્દ્રો અને શોપિંગ મૉલ જેવાં જાહેર સ્થળોએ  ભેગી થયેલી ભીડ પર ડ્રોન દ્વારા દેખરેખ રાખવાની ભલામણ મોકલવામાં આવી છે.

સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતા હેઠળ રચાયેલા જીઓએમમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ છે. તેમણે આ મુદ્દે ચર્ચા કરી હતી. આ ચર્ચા પછી મંત્રીઓ એવા તારણ પર પહોંચ્યા હતા કે ધાર્મિક કેન્દ્રો, શોપિંગ મોલ અને શૈક્ષણિક સંસ્થાને 14 એપ્રિલ પછી પણ ચાર સપ્તાહ સુધી સામાન્ય રીતે કામકાજ કરવા દેવું જોઈએ નહીં. મે મહિનામાં ગરમીના વેકેશનને કારણે મોટાભાગની શાળા અને કોલેજો જૂનના અંત સુધી બંધ જ રહેતી હોય છે. આ જીઓએમએ દેશમાં કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા પછી કરેલી ભલામણો વડાપ્રધાનને મોકલી દીધી હતી.