મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1000ને પાર પહોંચી છે. અહી 1018 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 64 લોકોના મોત થયા છે. એકલા મુંબઈમાં જ કોરોનાના 642 કેસ છે. જ્યારે 40 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 150 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 12 લોકોના મોત થયા છે.




દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં આજે વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 4789 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને 124 લોકોના મોત થયા છે. 353 દર્દીઓ સાજા થયા છે. હાલ 4312 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે દુનિયાભરમાં 75,000થી વધુ લોકોના મોત થયા છે. જેમાં વધારે મોત યૂરોપમાં થયા છે.

મુંબઈમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી પાસે એક ચા વાળો વ્યક્તિ સંક્રમિત મળ્યા બાદ હોબાળો મચી ગયો હતો. ચાની દુકાન ધરાવતા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ માતોશ્રી અને આસપાસના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવેલા પોલીસના 170થી વધારે જવાનો ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત માતોશ્રીના બે શ્રમિકોને પણ કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને પૂરી લેન સીલ કરી દેવામાં આવી છે.