નવી દિલ્હીઃ લોકસભામાં શુક્રવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવનો કોગ્રેસે વિરોધ કર્યો તો અમિત શાહે જવાબ આપ્યો હતો. શાહે જમ્મુ કાશ્મીરની સમસ્યાને લઇને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું નામ લીધું હતું જેને લઇને કોગ્રેસના નેતાઓએ ખૂબ વિરોધ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે, કોગ્રેસના કારણે દેશના ભાગલાઓ ધર્મના આધારે થયા છે. જો કોગ્રેસ એમ ના કરતી હોત આજે આતંકવાદનો મુદ્દો જ ના હોત. એટલું જ નહી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર આપણાથી અલગ ના હોત. શાહે કહ્યું કે કોગ્રેસ અમને ઇતિહાસ ના શીખવાડે. શાહે કહ્યું કે, ત્યારે 600થી વધુ રજવાડા હતા પરંતુ ત્યારે ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે તમામ રજવાડાઓને હિંદુસ્તાનમાં સામેલ કર્યા હતા. હૈદરાબાદ અને જૂનાગઢના રજવાડા હિંદુસ્તાનમાં સામેલ થવાનો ઇનકાર કરી રહ્યા હતા પરંતુ આ મુદ્દો સરદાર પટેલ પાસે હતો જેથી કોઇ સમસ્યા આવી નહીં. આ દરમિયાન શાહે કહ્યું કે, કાશ્મીરનો મુદ્દો આખરે કોની પાસે હતો. આજે ત્યાં કલમ 370 લાગુ છે. બસ અમિત શાહ આટલું બોલ્યા કે કોગ્રેસના સાંસદોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું અને અમિત શાહનો વિરોધ કરવા લાગ્યા હતા. શાહે કહ્યું કે, અમે તેમનું નામ લેતા નથી પરંતુ તેના બદલે પ્રથમ વડાપ્રધાન શબ્દનો ઉપયોગ કર્યો અને ફરીથી કોગ્રેસના સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો હતો. નોંધનીય છે કે અમિત શાહે શુક્રવારે જમ્મુ કાશ્મીરમા રાષ્ટ્રપતિ શાસન વધારવાનો પ્રસ્તાવ  લોકસભામાં રજૂ કર્યો હતો. જેને પાસ કરી દેવામાં આવ્યો છે.