આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીને હવે તેની સત્તાવાર અને કાયમી રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારત સરકારે સોમવારે આ સંદર્ભમાં એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે. જેમણે ગયા અઠવાડિયે સંસદ દ્વારા પસાર કરાયેલા આંધ્રપ્રદેશ પુનર્ગઠન (સુધારા) બિલ, 2026 ને પોતાની મંજૂરી આપી હતી. કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સૂચના અનુસાર, આંધ્રપ્રદેશ પુનર્ગઠન (સુધારા) અધિનિયમ, 2026 2 જૂન, 2024થી અમલમાં આવશે.

Continues below advertisement
Continues below advertisement

'રાજધાનીનું લાંબા સમયથી ચાલતું સ્વપ્ન પૂર્ણ થયું છે'

રાષ્ટ્રપતિનો આભાર માનતા ચંદ્રાબાબુ નાયડુએ X પર લખ્યું હતું કે, "આંધ્રપ્રદેશના લોકો તરફથી હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો આંધ્રપ્રદેશ પુનર્ગઠન (સુધારા) અધિનિયમ, 2026ને મંજૂરી આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. આનાથી રાજધાનીનું આપણું લાંબા સમયથી ચાલતું સ્વપ્ન પૂર્ણ થયું છે. હું કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ તેમના વચનને પૂર્ણ કરવા અને આપણા રાજ્યને માર્ગદર્શન આપવા બદલ આભાર માનું છું."

અમરાવતીના વિકાસ તરફ એક મોટું પગલું

સીએમ નાયડુના નેતૃત્વ હેઠળની ટીડીપી-એનડીએ સરકાર દ્વારા આ પહેલને અમરાવતીના ભવિષ્ય તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જ્યારે આંધ્રપ્રદેશનું વિભાજન થયું હતું, ત્યારે ચંદ્રાબાબુ નાયડુએ તેને રાજ્યનું નવું વહીવટી અને રાજકીય કેન્દ્ર બનાવવાની યોજના બનાવી હતી. હવે સ્પષ્ટ છે કે રાજ્યની ફક્ત એક જ રાજધાની હશે અને તે અમરાવતી હશે. આ નિર્ણયને વહીવટી સ્પષ્ટતા અને વિકાસ તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.