કટ્ટર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહને શોધવા પંજાબ ઉપરાંત હરિયાણા સહિતની પોલીસ દિવસ રાત એક કરી રહી છે. પરંતુ હજી સુધી પોલીસના હાથ ખાલી છે. અમૃતપાલ સિંહ હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓની આકરી મહેનત છતાંયે હાથ તાળી આપીને સરહદો સુદ્ધા ઓળંગી રહ્યો છે અને બિંદાસ્ત રીતે ખુલ્લેઆમ આંટાફેરા મારે રહ્યો છે. હવે અમૃતપાલ સિંહ હરિયાણા પહોંચી ગયો છે. તેના પુરાવા પણ હાથ લાગ્યા છે.
અમૃતપાલ સિંહનો વીડિયો સામે આવ્યો છે જે લુધિયાણાનો છે. પંજાબથી હરિયાણામાં પ્રવેશતા પહેલા અમૃતપાલ સિંહ 18 માર્ચની રાત્રે લગભગ 50 મિનિટ સુધી લુધિયાણાની શેરીઓમાં ફર્યો હતો. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તે અહીં-તહીં ફરતો જોઈ શકાય છે. આ સાથે જ પોલીસે બે ઓટો ચાલકોની પણ પૂછપરછ કરી છે જેમના ઓટોમાં અમૃતપાલ શેરપુર પહોંચ્યો હતો.
પોલીસ કમિશનર મનદીપ સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે, ઓટો ડ્રાઈવરોએ અમૃતપાલ અને પાપલપ્રીતને માત્ર પેસેન્જર તરીકે બેસાડ્યા હતા. તે અમૃતપાલને ઓળખી નહોતો શક્યો. બંને ઓટો ચાલકોને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા છે.
હાર્ડીઝ વર્લ્ડથી જલંધર બાયપાસ અને આગળ શેરપુર ચોક સુધી તેને ઓટોમાં બેસાડનારા ઓટો ચાલકોએ જણાવ્યું હતું કે, તેમની ઓટોમાં બે લોકો બેઠા હતા, પરંતુ તેઓ જાણતા ન હતા કે તેઓ અમૃતપાલ અને તેનો સાથી છે. તેમણે ભાડું લીધું અને તેમને નિર્ધારિત જગ્યાએ ઉતારી દીધા હતાં.
બસ દ્વારા હરિયાણામાં કર્યો પ્રવેશ ને પોલીસ ઉંઘતી રહી!!!
સીસીટીવી ફૂટેજ મુજબ, અમૃતપાલ સિંહ 9:20 થી 10:10 સુધી લુધિયાણામાં રહ્યો હતો. તે પહેલા હાર્ડીઝ વર્લ્ડ અને ત્યાર બાદ જલંધર બાયપાસ પહોંચ્યો હતો. આમ કરવામાં તેને વીસ મિનિટ લાગી હતી. ત્યાર બાદ તે બીજી ઓટો લઈને શેરપુર પહોંચ્યો હતો. જ્યાં તેને લગભગ ત્રીસ મિનિટ લાગી હતી. અમૃતપાલની ધરપકડ કરવા માટે આખા પંજાબમાં નાકાબંધી કરવામાં આવી છે. પરંતુ હજી પોલીસ તેને પકડી શકી ન હતી અને તેને બસ દ્વારા હરિયાણામાં પ્રવેશ પણ કરી લીધો હતો.
નેપાળ ભાગી જવાનો ડર, એલર્ટ જારી, આવતા-જતા મુસાફરોની તપાસ
બીજી તરફ ખાલિસ્તાન તરફી અમૃતપાલના નેપાળ ભાગી જવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ સરહદ મહારાજગંજના સોનાલી ખાતે અમૃતપાલ અને પાપલપ્રીતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પંજાબથી ફરાર પંજાબ દેના વારસદાર અમૃતપાલ સિંહની શોધમાં ભારત-નેપાળ સરહદ પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સોનૌલી બોર્ડર પર અમૃતપાલ અને પપલપ્રીતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સશસ્ત્ર સીમા બળ અને પોલીસે સતર્કતા વધારી દીધી છે. ભારતથી નેપાળ જતા વાહનો અને મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ પોલીસ હોટલ, બસ પાર્ક અને જાહેર સ્થળો પર પણ ચાંપતી નજર રાખી રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે, અમૃતપાલ 19 માર્ચની રાત્રે હરિયાણાના શાહબાદ આવ્યો હતો. તે તેના સહયોગી પાપલપ્રીત સાથે ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારથી અમૃતપાલ ફરાર થયો છે ત્યારથી માત્ર તેનો દેખાવ જ બદલાયો નથી પરંતુ તેનું વાહન પણ બદલાઈ રહ્યું છે. આ અંગે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે સતર્ક છે. સરહદના તમામ પોઈન્ટ પર સૈનિકો સતર્કતા રાખી રહ્યા છે.