Amritpal Singh New Video: ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ હજુ પણ પંજાબ પોલીસની પકડમાંથી બહાર છે. તે જુદા જુદા રાજ્યોમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે પરંતુ પોલીસના હાથ ખાલીના ખાલી જ છે. નેપાળ ભાગી ગયો હોવાના અહેવાલો વચ્ચે અમૃતપાલ સિંહે અચાનક રાજધાની દિલ્હીમાં દેખા દેતા ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હીથી તેનો એક નવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે.



પોલીસથી બચવા માટે અમૃતપાલ સિંહ પાઘડી વગર જ જોવા મળે છે. વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે અમૃતપાલે સનગ્લાસ પહેર્યા હતા અને ડેનિમ જેકેટ પહેર્યું હતું. સીસીટીવી ક્લિપમાં તેનો સહયોગી પપલપ્રીત સિંહ પણ દેખાઈ રહ્યો છે. બંનેએ પોતાની ઓળખ છુપાવવા માસ્ક પહેર્યા હતા.





દિલ્હીનો આ સીસીટીવી વીડિયો 21 માર્ચનો છે. પંજાબ પોલીસે 18 માર્ચે પંજાબમાં અમૃતપાલ અને તેના સંગઠન 'વારિસ પંજાબ દે'ના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી અને ત્યારથી અમૃતપાલ ફરાર છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, અમૃતપાલ સિંહ અને પાપલપ્રીત સિંહ હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લા થઈને દિલ્હી આવ્યા હતા.

અમૃતપાલ નેપાળ ભાગી જવાની ફિરાકમાં

તે હજુ પણ દિલ્હીમાં છુપાયેલો હશે કે અહીંથી પણ ભાગી ગયો હશે તે અંગે પોલીસે વધુ માહિતી આપી નથી. ભારતના પાડોશી દેશ નેપાળે પહેલાથી જ અમૃતપાલ સિંહને તેની વોચ લિસ્ટમાં મૂકી દીધો છે કારણ કે, તે નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને સરહદ પાર કરવાનો પ્રયાસ કરી શકે છે.

ઘણા ફૂટેજ સામે આવ્યા

અમૃતપાલ સિંહ અને તેના સાથી પંજાબમાંથી ભાગી ગયા બાદ તેના ઘણા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગત દિવસે અમૃતપાલ સિંહ અને પપલપ્રીત સિંહનો એનર્જી ડ્રિંક પીતો ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.

આ ઉપરાંત હરિયાણાથી તેની વધુ એક તસવીર સામે આવી છે જેમાં તે પોતાના પાર્ટનર સાથે જોવા મળી રહ્યો છે. જેઆમાં બંને પોતાની બાઇકને હાથગાડી પર લઈને જતા જોવા મળ્યા હતા. તેનું બાઇક ખરાબ થઈ ગયું હતું અને તેણે તેને ઓળખી ન શકે તેવા વટેમાર્ગુની મદદ લીધી હતી.

પંજાબ સરકારની બોલી - જલ્દી જ પકડાશે અમૃતપાલ

દરમિયાન, પંજાબ સરકારે મંગળવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને જણાવ્યું હતું કે, ભાગલાવાદી અમૃતપાલ સિંહને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે. જસ્ટિસ એન. એસ. શેખાવતની કોર્ટ એડવોકેટ ઈમાન સિંહ ખારા દ્વારા દાખલ કરાયેલ હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી કરી રહી હતી.

આ અરજીમાં અમૃતપાલ સિંહને કથિત પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવાની વિનંતી કરવામાં આવી છે. ખારાએ તાજેતરમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમૃતપાલ પોલીસની 'ગેરકાયદે કસ્ટડી'માં છે. સુનાવણી દરમિયાન પંજાબના એડવોકેટ જનરલ વિનોદ ઘાઈએ જણાવ્યું હતું કે, અમૃતપાલની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.