નવી દિલ્હી: ઉત્તરાખંડમાં ભાજપ સરકારે દેશના સૌથી ધનિક વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને બદ્રીનાથ-કેદારનાથ મંદિર કમિટીના સભ્ય તરીકે નિમ્યા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આ નિમણૂંક કરી છે. ચાર ધામમાં સામેલ આ મંદિરનું સમસ્ત મેનેજમેન્ટ આ કમિટી કરી રહી છે, જેમાં અનંત અંબાણીને જગ્યા મળી છે. અનંત અંબાણી મુકેશ અંબાણીના નાના દીકરા છે.


ઉત્તરાખંડના ચારેય ધામમાંથી એક કેદારનાથ ધામ મંદિરના કપાટ અંદાજે છ મહિના સુધી બંધ રહ્યા બાદ 9મી મેના રોજ ફરીથી ખૂલશે. અધિકારીઓએ મહાશિવરાત્રિના દિવસે આ માહિતી આપી હતી. કપાટ ખોલ્યાની તારીખ અને સમયની જાહેરાત મહાશિવરાત્રીના અવસર પર રૂદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં કરવામાં આવી હતી.



પૂજારીઓએ મંત્રોચ્ચાર અને શંખધ્વનિની વચ્ચે આ જાહેરાત કરી હતી. બદ્રીનાથ-કેદારનાથ મંદિરના એક અધિકારીએ કહ્યું હતું કે, કેદારનાથ મંદિર 9મી મેના રોજ સવારે 5.35 વાગ્યે ફરીથી ખૂલશે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, અને યમનોત્રી જેને સામૂહિક રીતે ચારધામ કહેવાય છે. દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બંધ થઈ જાય છે અને છ મહિનાના અંતરાલ બાદ એપ્રિલ-મે મહિનામાં ફરીથી ખોલી દેવામાં આવે છે.