Anant Ambani Radhika Merchant Wedding: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્ન માટે મુંબઈમાં આજે એટલે કે 12 જુલાઈ 2024ના રોજ દેશ વિદેશની પ્રમુખ હસ્તીઓ મુંબઈ પહોંચી ચૂકી છે.


મોદીના સ્વાગતના પોસ્ટર


આ લગ્નમાં અનેક કંપનીઓના ગ્લોબલ CEOઓ પણ સામેલ થવા માટે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે (13 જુલાઈ 2024) મુંબઈનો પ્રવાસ કરશે. આને લઈને મુંબઈમાં લગ્નસ્થળ સુધી જતા રસ્તાઓમાં PM મોદીના સ્વાગતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.


કહેવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી લગાવવામાં આવ્યા છે, જેના પર લખ્યું છે, "ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુંબઈમાં હાર્દિક સ્વાગત છે." જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં બોલીવુડ, રાજકારણ, રમતગમત, વ્યાપાર, હોલીવુડ સહિત બાકી તમામ ક્ષેત્રોના સિતારાઓના પહોંચવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.


લગ્ન સમારોહ માટે પહોંચ્યા અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી


આ લગ્નમાં સામેલ થવા માટે અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી જોન કેરી પણ મુંબઈ પહોંચી ચૂક્યા છે તો બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને વડાપ્રધાન બોરિસ જોનસનના પણ મુંબઈ આવવાની સંભાવના છે. જોકે મહેમાનોની સંભવિત યાદીમાં PM મોદીનું નામ નહોતું.


મુંબઈમાં આ છે PM મોદીનો કાર્યક્રમ


અનંત રાધિકાના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે કે નહીં એના પર હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. મુંબઈ પ્રવાસ પર PM મોદી ગોરેગાંવના નેસ્કો સેન્ટરમાં આયોજિત સમારોહમાં ગોરેગાંવ મુલુંડ લિંક રોડના ત્રીજા તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે. લોકસભા ચૂંટણી 2024 પછી આ PM મોદીનો પ્રથમ મુંબઈ પ્રવાસ હશે.


12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન પછી 13 જુલાઈએ શુભ આશીર્વાદ સમારોહ અને 14 જુલાઈએ ભવ્ય રિસેપ્શનનો કાર્યક્રમ છે. આ કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો PM મોદી લગ્નમાં ન આવી શકે તો બાકીના બે કાર્યક્રમોમાંથી કોઈ એકમાં સામેલ થઈ શકે છે.