Maharashtra MLC Election 2024 Results: મહારાષ્ટ્ર વિધાન પરિષદની 11 બેઠકો માટે આજે (12 જુલાઈ) મતદાન કરાવવામાં આવ્યું જેના પરિણામો સાંજે જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી મહાયુતિ (Mahayuti) અને મહાવિકાસ આઘાડી (MVA) વચ્ચે યોજાઈ હતી જેના પરિણામો ચોંકાવનારા આવ્યા છે. મહાયુતિએ 9 બેઠકો જીતી, જ્યારે મહાવિકાસ આઘાડીના 2 ઉમેદવારોને જીત મળી છે. સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરાવવામાં આવ્યું અને મતોની ગણતરી સાંજે પાંચ વાગ્યાથી શરૂ થઈ.


વિધાન પરિષદની 11 બેઠકો પર 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. મહાયુતિ તરફથી ભાજપે પાંચ ઉમેદવાર પંકજા મુંડે, યોગેશ તિલકર, પરિણય ફૂકે, અમિત ગોરખે અને સદાભાઉને ટિકિટ આપી હતી. જણાવી દઈએ કે પંકજા બીડ બેઠક પરથી થોડા મતોના અંતરથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. જ્યારે શિંદે જૂથની શિવસેનાએ બે ઉમેદવારો કૃપાલ તુમાને અને ભાવના ગવલીને ટિકિટ આપી હતી. અજિત પવારની એનસીપી તરફથી શિવાજીરાવ ગરજે અને રાજેશ વિતેકર મેદાનમાં ઉતર્યા હતા.




મહાયુતિમાંથી કોણ-કોણ જીત્યા?



  • પંકજા મુંડે (ભાજપ) - જીત્યા

  • પરિણય ફુકે (ભાજપ) - જીત્યા

  • સદાભાઉ ખોત (ભાજપ) - જીત્યા

  • યોગેશ ટિળેકર (ભાજપ) - જીત્યા

  • અમિત ગોરખે (ભાજપ) - જીત્યા

  • કૃપાલ તુમાને (શિવસેના) - જીત્યા

  • ભાવના ગવળી (શિવસેના) - જીત્યા

  • રાજેશ વિટેકર (એનસીપી) - જીત્યા

  • શિવાજીરાવ ગર્જે (એનસીપી) - જીત્યા


મહાવિકાસ આઘાડીમાંથી કોણ-કોણ જીત્યા?



  • મિલિંદ નાર્વેકર (શિવસેના, ઉદ્ધવ જૂથ) - જીત્યા

  • પ્રજ્ઞા સાતવ (કોંગ્રેસ) - જીત્યા


શેતકરી કામગાર પાર્ટીના જયંત પાટીલ ચૂંટણી હારી ગયા. મહાવિકાસ આઘાડી તરફથી શિવસેના યૂબીટી અને કોંગ્રેસે એક-એક ઉમેદવાર ઉતાર્યો તો શરદ પવારની એનસીપીએ ઉમેદવાર ન ઉતારીને ભારતીય શેતકારી કામગાર પાર્ટીના જયંત પાટિલને સમર્થન આપ્યું હતું. પ્રજ્ઞા સાતવને 25, મિલિંદ નાર્વેકરને 22 અને જયંત પાટિલને કુલ 12 મત મળ્યા.


મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 288 છે. રાજ્યમાં હાલમાં 274 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં એક વિધાન પાર્ષદની ચૂંટણી માટે ઓછામાં ઓછા 23 મતની જરૂર હતી.


આ પાર્ષદોનો કાર્યકાળ થઈ રહ્યો છે સમાપ્ત


આ ચૂંટણી એવા સમયે કરાવવામાં આવી છે જ્યારે ત્રણ-ચાર મહિના બાદ જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી પહેલા વિધાન પરિષદના 11 સભ્યોનો કાર્યકાળ 27 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. વિધાન પાર્ષદ વિજય ગિરકર, નિલય નાઇક, રમેશ પાટિલ, રામરાવ પાટિલ, મહાદેવ જાનકર, જયંત પાટિલ, મનીષા કાયંદે, અનિલ પરબ, વજાહત મિર્ઝા, પી સાતવ અને અબ્દુલ્લા દુર્રાનીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.