હૈદરાબાદ: આંધ્ર પ્રદેશ વિધાનસભામાં શુક્રવારે એક મહત્વનું બિલ પાસ થયું છે. આંધ્રપ્રદેશ દિશા બિલ 2019 (Andhra Pradesh Criminal Law (Amendment) Act 2019) અનુસાર, દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના દોષિતોને મોતની સજા આપવાની છૂટ આપવામાં આવી છે. દિશા બિલમાં દુષ્કર્મના મામલાની સુનાવણી 21 દિવસની અંદર પૂર્ણ કરવાની અને સજા આપવાની તથા મોતની સજા આપવાની જોગવાઈ છે.

આ પ્રકારનું બિલ પાસ કરનાર આંધ્ર પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં મહિલા ડોક્ટરના ગેંગરેપ અને હત્યાના મામલાને તેલંગણા પોલીસે ‘દિશા કેસ’ નામ આપ્યું છે. તેના બાદ લાવવામાં આવેલા બિલનું નામ ‘દિશા’ આપવામાં આવ્યું છે. સાથે અન્ય એક કાયદાને પણ મંજૂરી આપવામાં આવી છે. જે મહિલાઓ તથા બાળકો વિરુદ્ધ અત્યાચારના મામલે કેસ ચલાવવા માટે વિશેષ કોર્ટનું ગઠન કરવામાં આવશે.


દિશા એક્ટમાં પ્રમાણે, દુષ્કર્મ કેસમાં જો પૂરતા પુરાવા હોય તો દોષિતોને મોતની સજાની જોગવાઈ. ફાઈનલ જજમેન્ટનો સમયગાળો ગુનો થયો હોય તે દિવસથી લઈને 21 દિવસ. એટલે કે 21 દિવસમાં ટ્રાયલ પૂરી કરવાની સાથે સાથે મોતની સજાની પણ જોગવાઈ છે. બિલમાં આઈપીસીની કલમ 354માં સંશોધન કરીને નવી કલમ 354 (ઈ) બનાવવામાં આવી છે. કેસમાં તપાસ 7 દિવસમાં પૂરી કરવી અને ટ્રાયલ 14 દિવસમાં પૂરી કરી લેવી. જેથી કરીને 21 દિવસમાં સજા મળી જાય. દુષ્કર્મ ઉપરાંત રાજ્ય સરકારે બાળકો સામેના જાતિય સતામણીના ગુનાઓમાં પણ આજીવન કેદની સજાની જોગવાઈ કરેલી છે.