નવી દિલ્હીઃ લોકસભામાં આજે રાહુલ ગાંધીના રેપને લઈને આપેલા નિવેદન પર ખૂબ હંગામો મચી ગયો હતો. ભાજપની મહિલા સાંસદો સ્મૃતિ ઈરાની, લોકેચ ચેટર્જી અને અન્ય સાંસદોએ રાહુલના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપ તરફથી રાહુલ ગાંધીની માફીની માગણી કરવામાં આવી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, ગાંધી પરિવારના દીકરાએ, ગૃહના સાંસદે મહિલાના બળાત્કારનું આહ્વાન કર્યું છે.


ભાજપ તરફથી રેપને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના નિવેદનનો જોરદાર વિરોધ કરરવામાં આવ્યો હતો. શિયાળુ સત્રના અંતિમ દિવસે ગૃહમાં વિપક્ષે સત્તાધારી પાર્ટીને ઘેરી હતી. સ્મૃતિ ઈરાનીએ તેના પર જોરદાર વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, આજે દેશની મહિલાઓના સન્માનની વાત છે.

રેપ જેવા ગંભીર ગુનામાં આ ગૃહના સદસ્ય, ગાંધી પરિવારના દીકરીએ જાહેરમાં રેપનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘રેપ ઈન ઈન્ડિયા‘થી શું તે દેશના પુરુષોને મહિલાઓનો રેપ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે? અમેઠીથી સાંસદ સ્મૃતિએ રાહુલને દંડ કરવાની સ્પીકરને માગ કરી હતી.


ભાજપના સાંસદો તરફથી ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલા જોરદાર હંગામો કરવામાં આવ્યો હતો. ભાજપની મહિલા સાંસદોએ ‘રાહુલ ગાંધી માફી માંગો’ના નારા લગાવ્યા હતાં. બીજી તરફ વિપક્ષના મહિલા સાંસદો અને અન્ય સદસ્યો શાંતિથી પોતાની સીટ પર બેઠેલા જોવા મળ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સંથાલપરગણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેપની વધતી ઘટનાઓને લઈને ભાજપ પર પ્રહારો કર્યાં હતાં. રાહુલે કહ્યું હતું, ‘મેક ઈન ઈન્ડિયા’ હવે ‘રેપ ઈન ઈન્ડિયા’ બની ગયું છે. ભારતમાં દરરોજ મહિલાઓ સાથે રેપ જેવા અપરાધ થઈ રહ્યા છે.