આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરના લાડુના પ્રસાદમાં વાપરવામાં આવેલી ‘પ્રાણીની ચરબી’ પર નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે પવન કલ્યાણે આકરી પ્રતિક્રિયા આપી અને તેને ખૂબ પરેશાન કરનારું ગણાવ્યું હતું.






ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનના ટોચના નેતા પવન કલ્યાણે શુક્રવારે કહ્યું હતું કે સમગ્ર ભારતમાં મંદિરો સંબંધિત તમામ મુદ્દાઓ પર વિચાર કરવા માટે રાષ્ટ્રીય સ્તરે 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ'ની તાત્કાલિક રચના કરવાનો સમય આવી ગયો છે.


પવન કલ્યાણે એક્સ પર કરેલા પોસ્ટમાં લખ્યું હતું કે છેલ્લી સરકારના કાર્યકાળ દરમિયાન તિરુપત્તિ બાલાજી પ્રસાદમાં ‘પ્રાણીની ચરબી’ (માછલીનું ઓઇલ, ભૂંડની ચરબી અને બીફ) ભેળવવાનો ખુલાસો થતાં અમે તમામ ખૂબ દુઃખી છીએ. તત્કાલિન YCP સરકારે રચેલા TTD બોર્ડને અનેક સવાલોના જવાબો આપવા પડશે. આ સંદર્ભમાં અમારી સરકાર શક્ય તમામ કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.


તેમણે કહ્યું હતું કે , 'આ સમગ્ર મામલો મંદિરોના અપમાન, જમીન સંબંધિત મુદ્દાઓ અને અન્ય ધાર્મિક પ્રથાઓ સાથે સંબંધિત ઘણા મુદ્દાઓ પર ગંભીર પ્રકાશ ફેંકે છે. હવે સમય આવી ગયો છે કે ભારત ભરના મંદિરો સંબંધિત તમામ મુદ્દાઓ પર વિચાર કરવા માટે રાષ્ટ્રીય સ્તરે 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ'ની તાત્કાલિક રચના કરવામાં આવે. તમામ નીતિ નિર્માતાઓ, ધાર્મિક વડાઓ, ન્યાયતંત્ર, સામાન્ય નાગરિકો, મીડિયા અને પોતપોતાના ક્ષેત્રના અન્ય તમામ અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરે અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ.


પવન કલ્યાણે વધુમાં કહ્યું કે હું માનું છું કે 'સનાતન ધર્મ'ના અપમાનને કોઈપણ સ્વરૂપમાં રોકવા માટે આપણે બધાએ તરત જ સાથે આવવું જોઈએ.


વાસ્તવમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની અગાઉની વાયએસઆરસીપી સરકારના કાર્યકાળ દરમિયાન પ્રખ્યાત તિરુમાલા મંદિરના પ્રસાદ લાડુ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીની ચરબી ભેળવવામાં આવતી હતી. YSRCPએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે નાયડુ રાજકીય કારણોસર પાયાવિહોણા નિવેદનો કરી રહ્યા છે.