Canada International Student Permit: કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્ટડી પરમિટની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે અસ્થાયી નિવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે આ પગલું ભર્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે (18 સપ્ટેમ્બર) આ નિર્ણય લીધો હતો.






કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, "આ વર્ષે 35 ટકા ઓછી સ્ટડી પરમિટ આપવામાં આવશે, જ્યારે આગામી વર્ષમાં તેમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે." સરકારના આ નિર્ણયથી લગભગ 4.27 લાખ ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે.


કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે


કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ પસંદગીનો દેશ રહ્યો છે. સરકારી ડેટા અનુસાર, કુલ 13,35,878 ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી 4,27,000 વિદ્યાર્થીઓ કેનેડામાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 260 ટકાનો વધારો થયો છે. કેનેડા સરકારના આ નિર્ણય બાદ હવે વિદ્યાર્થીઓ અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયાની પસંદગી કરી શકશે.


તેની અસર વિદેશી કામદારો પર પણ પડશે


કેનેડા સરકારનો આ નિર્ણય અસ્થાયી વિદેશી કામદારોને પણ લાગુ પડશે. નવા નિયમ મુજબ વર્ક પરમિટની પાત્રતા કેટલાક વિદ્યાર્થીઓના જીવનસાથી અને અસ્થાયી વિદેશી કામદારો માટે પણ મર્યાદિત રહેશે. કેનેડા સરકારે અસ્થાયી નિવાસીઓની સંખ્યાને કુલ વસ્તીના 5 ટકા સુધી મર્યાદિત કરવાનું વચન આપ્યું છે. તે એપ્રિલમાં 6.8 ટકા હતું.


હાઉસિંગ કટોકટી ઘટાડવાના પ્રયાસો


તાજેતરમાં કેનેડામાં રહેઠાણની કટોકટી અને જીવન નિર્વાહના ખર્ચમાં વધારો થયો છે. આ માટે પ્રવાસીઓને જવાબદાર ગણવામાં આવે છે. સરકારનું કહેવું છે કે અસ્થાયી નિવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરીને આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.  નોંધનીય છે કે અગાઉ વિદેશી નાગરિક પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટેની અરજીઓ 21 જૂન, 2024 પછી બંધ કરી દેવામાં આવી હતી. કેનેડા સરકારે બોર્ડર સર્વિસ ઓફિસરોને કેનેડામાં પ્રવેશ માટે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટની અરજીઓ પર વિચાર ન કરવા સૂચના આપી છે. કેનેડા સરકારના નિવેદન અનુસાર, વિદેશી નાગરિકો હવે બોર્ડર પર પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવશે.


આ પણ વાંચોઃ  જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે તો તેઓ ભારત માટે મુશ્કેલી ઊભી કરી શકે છે